દાંતીવાડા ટી.ડી.ઓ. ની મનમાની સામે બનાસકાંઠાના 600 તલાટીઓની બીજા દિવસે પણ હડતાળ
પાલનપુર: દાંતીવાડા તાલુકાના ખેતલા બાપજીના મંદિરે મંગળવારે બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળની મીટીંગ મળી હતી. જેમાં આર્થિક માંગણી કરી રહેલા દાંતીવાડા TDO ના ત્રાસથી સતત બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના તલાટી હડતાલ ઉપર રહ્યા છે.
દાંતીવાડા ખેતલા બાપજીના મંદિરમાં જિલ્લા તલાટી મંડળની બેઠક મળી
દાંતીવાડા TDO અંકિતા ઓઝાની મનમાની સામે તલાટીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. દાંતીવાડા TDO દ્વારા તલાટી પાસે આર્થિક માંગણી કરી રહ્યા હોવાના પણ તલાટીઓએ આક્ષેપ કર્યા છે. આ બાબતે જિલ્લાના તમામ અધિકારીઓના WhatsApp ગ્રુપમાંથી રીમુવ થવાની જિલ્લા તલાટી મંડળ દ્વારા મંડળના સભ્યોને આદેશ કર્યો છે. અને જ્યાં સુધી તલાટીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તલાટી મંડળ તેમના કામથી અળગા રહેશે. જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો રાજ્ય તલાટી મંડળ પણ હડતાળ ઉપર જશે. ન્યાયની માગણી સાથે આગામી સમયમાં જિલ્લા કક્ષાએ પણ આવેદનપત્રની સાથોસાથ ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા તલાટીની 33 ટકા વેરા વસૂલાત હોવા છતાં ઇજાફો અટકાવતા તમામ તલાટીઓએ TDO સામે રોષ ઠાલવ્યો હતો. જોકે બાળકોને શાળા તેમજ કોલેજમાં પ્રવેશ માટે જાતિ આવક તેમજ મા અમૃતમ કાર્ડ માટેના દાખલાઓ સહી કરવા માટે ના તલાટીઓ દ્વારા કામ કરી આપવામાં આવશે.
પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આવેદનપત્ર, ધરણા પણ યોજાશે
દાંતીવાડા તલાટીનો ઇજાફો અટકાવી દેવાના મુદ્દે દાંતીવાડા ટી.ડી.ઓ. વિરુદ્ધ તલાટીઓમાં રોષની લાગણી પ્રસરી છે. મંદિરમાં તલાટીઓની મળેલી મિટિંગમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, જો આગામી દિવસોમાં ટી.ડી.ઓ. વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહીં થાય તો પાલનપુરમાં ડી.ડી.ઓ.ને આવેદનપત્ર અપાશે. અને જરૂર પડે તો ધરણાનો કાર્યક્રમ પણ આપવામાં આવશે.