ડીસામાં ભારત માતાનું મંદિર બનશે, નગરપાલિકાની સાધારણ સભામાં વિકાસ કામોને મંજુરી
- રોડ, ગટર, વૃક્ષારોપણ, પશુઓની સમસ્યા સહિત કામોના ઠરાવ મંજૂર.
બનાસકાંઠા: ડીસા નગરપાલિકામાં આજે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ભારત માતાનું મંદિર બનાવવાની સાથે સાથે રોડ, ગટર લાઈન, વૃક્ષારોપણ, નવીન બગીચો તેમજ 11 વોર્ડમાં બાંકડા મુકવા સહિતના વિકાસ કામોને સર્વાનુમતે મંજૂર કરાયા હતા.
ડીસા નગરપાલિકામાં આજે જનરલ બોર્ડની સાધારણ સભા પાલિકા પ્રમુખ રાજુ ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં વિપક્ષની રજૂઆત સાંભળવાની સાથે સાથે અનેકવિધ વિકાસના કામોને સર્વનુમતે ઠરાવ કરાયો છે. સભામાં રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે, મહારાણા પ્રતાપ સર્કલ બનાવવાનું, વૃક્ષારોપણ, હઠીલા હનુમાન મંદિર પાસે નવીન બગીચો બનાવવો, 11 વોર્ડમાં બાંકડા મુકવા, ઘન કચરાના નિકાલ માટે 2 કરોડની, આવાસ યોજનાના મકાન રીનોવેશન માટે 1 કરોડની ફાળવણી, ગટર લાઈન, અનેક જગ્યાએ પાકા રસ્તા તેમજ ભારતમાતાનું મંદિર બનાવવા સહિત અનેક વિકાસ કામોના ઠરાવો સર્વાનો મતે મંજૂર કરાયા છે.
આ સભા અંગે નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કરે જણાવ્યું હતું કે, આજે ડીસા નગરપાલિકામાં યોજાયેલી સાધારણ સભામાં અનેક વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે લોકોની સુખાકારી વધે તે માટે રોડ રસ્તા, ગટર, રખડતા પશુઓ માટે તેમજ વૃક્ષારોપણ સહિતના ઠરાવો મંજુર કરાયા છે. જ્યારે ગુજરાતમાં પ્રથમ એવી ડીસા નગરપાલિકા હશે જ્યાં ભારત માતાનું મંદિર બનાવવા માટેનો ઠરાવ કર્યો છે.
આ પણ વાંચો: વિશ્વ આદિવાસી દિવસ: ડીસામાં એક તીર એક કમાન આદિવાસી એકસમાનના નારા સાથે રેલી નીકળી