ટોપ ન્યૂઝનેશનલ

રાજ્યપાલના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે શિવસેના, ફ્લોર ટેસ્ટની માગનો વિરોધ કર્યો

Text To Speech

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે આવતીકાલે 30 જૂને સૌથી મોટી કસોટીમાંથી પસાર થવું પડશે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સવારે 11 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે ફ્લોર ટેસ્ટ થશે, જેમાં ઉદ્ધવની મહાવિકાસ આઘાડી સરકાર (MVA) એ બહુમતી સાબિત કરવી પડશે, જે તેમના માટે હાલ મુશ્કેલ છે.

અને તેથી જ શિવસેનાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફ્લોર ટેસ્ટની માંગ સામે સુપ્રીમ કોર્ટ જશે. રાઉતે ફ્લોર ટેસ્ટની માંગને ગેરકાયદેસર ગણાવી છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો હજુ પેન્ડિંગ છે.

રાઉતે કહ્યું- બંધારણની મજાક ઊડી રહી છે
શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો કે ભાજપ અને રાજ્યપાલ મળીને બંધારણ સાથે રમત રમી રહ્યા છે. તેમને વધુમાં કહ્યું કે  બંધારણની મજાક ઉડાવવામાં આવી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે દરમિયાનગીરી કરવી જોઈએ. રાઉતે કહ્યું અમે સુપ્રીમ કોર્ટમાં જઈને ન્યાયની માંગ કરીશું.

રાજ્યપાલે આપ્યા છે ફ્લોર ટેસ્ટના આદેશ
બીજી તરફ આજે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવતી વખતે રાજ્યપાલે ઘણી મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ સત્રનો એકમાત્ર એજન્ડા સરકારનો ફ્લોર ટેસ્ટ હશે અને તેને કોઈપણ રીતે મુલતવી રાખી શકાય નહીં.

પહેલા મુદ્દામાં રાજ્યપાલે લખ્યું કે મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય સ્થિતિ સારી નથી. એવું કહેવાય છે કે મીડિયામાં બતાવવામાં આવી રહ્યું છે કે શિવસેનાના 39 ધારાસભ્યો મહાવિકાસ અઘાડી સરકારનો સાથ છોડવાની વાત  કરી ચુક્યા છે.

બીજા મુદ્દામાં જણાવાયું હતું કે મંગળવારે રાજ્યના સાત અપક્ષ ધારાસભ્યોએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો. તેને કહેવામાં આવ્યું કે તેણે ઉદ્ધવ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે અને રાજ્યમાં ફ્લોર ટેસ્ટ કરાવવો જોઈએ.

રાજ્યપાલે એમ પણ કહ્યું હતું કે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ રાજભવનમાં આવ્યા હતા અને તેમને મળ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વર્તમાન સરકારે બહુમતી ગુમાવી દીધી છે, તેથી ફ્લોર ટેસ્ટ કરાવવો જોઈએ.

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પોતાના પત્રમાં મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો છે. બળવાખોર ધારાસભ્યના કાર્યાલય પર હુમલો કરી પરિવારને ધમકીઓ આપવામાં આવી હોવાનું પણ લખવામાં આવ્યું છે.

રાજ્યપાલે વધુમાં લખ્યું છે કે વિધાનસભાનું વિશેષ સત્ર 30 જૂને સવારે 11 વાગ્યાથી શરૂ થશે, જે બાદ સાંજે 5 વાગ્યે ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવશે. વધુમાં કહ્યું છે કે સત્રને કોઈપણ કારણસર સ્થગિત નહીં કરવામાં આવે અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાશે.

Back to top button