સાહેબ સેધાજી-અનિલ ધારે તો આખું વિસનગર ખરીદી લે!
વિસનગર : અરે સાહેબ અનિલ અને સેધાજી ધારે તો આખું વિસનગર ખરીદી લે. આ શબ્દો અમારા એક ગુપ્ત સૂત્રોના છે. આ શબ્દો ઉપરથી તમે સમજી શકો છો કે, આ અપરાધીઓ કેટલા મોટા પાયે ડબ્બા ટ્રેડિંગ કરીને સામાન્ય લોકોની મહેનતના પૈસા જૂંટવી રહ્યાં છે. પહેલાના જમાનામાં ડાકૂઓ બંદૂકો લઈને ગામના ગામ લૂંટી લેતા હતા, તેવું જ કામ હવે મોબાઈલ થકી કરવામાં આવી રહ્યું છે.માત્ર રીત બદલાઇ છે. આ અપરાધીઓ ડાકૂ કરતાં પણ વધારે ખતરનાક બની રહ્યાં છે. પરંતુ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પોલીસ ક્યાં છે? શું પોલીસ પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે?
અપરાધીઓને પકડવામાં પોલીસ નિષ્ક્રિય
અમે અત્યાર સુધી આ બાબતે બે રિપોર્ટ પ્રકાશિત કર્યા છે પરંતુ પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ છે. વિસનગર તાલુકા પોલીસની હદ્દમાં આટલું મોટું રેકેટ ચાલી રહ્યું છે તે છતાં પણ અત્યાર સુધી કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી. પોલીસ કેમ પગલા ભરી રહી નથી તે એક મોટો પ્રશ્ન છે. ચાલો એવું માની લઈએ કે અમારા રિપોર્ટ પહેલા પોલીસને ખ્યાલ નહતો પરંતુ રિપોર્ટ પ્રકાશિત થયા પછી તો પોલીસે પગલા ભરવા જોઇએ ને?
અપરાધીઓને કોણ છાવરી રહ્યું છે ?
આ બાબતે હવે એક નહીં અનેક પ્રશ્ન ઉઠી રહ્યાં છે. શું વિસનગર પોલીસ પોતાની ફરજ ચૂકી રહી છે? કે પછી પોલીસ અપરાધીઓના ગુનામાં ભાગીદાર બની ગઈ છે? શું પોલીસ અપરાધીઓને છાવરવા માટે હપ્તો લઈ રહી છે? સેધાજી-અનિલ રાજકીય શક્તિનો દુરપયોગ કરીને પોલીસ પર દબાણ લાવી રહ્યાં છે? કે પછી વાડ જ ચિભડા ગળી રહી છે? એટલે કે સત્તામાં બેસેલા લોકો જ અપરાધી સેધાજી અને અનિલને છાવરી રહ્યાં છે?
આ પણ વાંચો : ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ
અચલ ત્યાગી પોતાના વિસ્તારમાં ચાલતા દૂષણથી અજાણ
આ વિસ્તારમાં થતાં બે નંબરના ધંધાઓને ડામવાની સૌથી મોટી જવાબદારી તો 2015ની બેચના આઇપીએસ અધિકારી અચલ ત્યાગીની છે. પરંતુ તેઓ તો આ બાબતે ક્યાંય પિક્ચરમાં દેખાઇ જ રહ્યાં નથી. અચલ ત્યાગીના નાક નીચે તેમનો વિસ્તાર સાઇબર ક્રાઈમ અને ડબ્બા ટ્રેડિંગનો હોટસ્પોટ બની ગયો હોવા છતાં તેઓ અજાણ હોય તે ગંભીર બાબત છે. રસપ્રદ વાત તે છે કે અચલ ત્યાગી એક ઇમાનદાર અને કડક વલણ ધરાવતા અધિકારી છે. તો પછી તેમના વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં ડબ્બા ટ્રેડિંગનું દૂષણ કેવી રીતે ઘુસી ગયું તે વિચાર માંગતો પ્રશ્ન છે.
આત્મહત્યા કેસમાં અચલ ત્યાગી પર ઉઠ્યા હતા સવાલ
એક આત્મહત્યા કેસને છોડીને અચલ ત્યાગીની કામગીરી પર અત્યાર સુધી ક્યારેય પ્રશ્ન ઉઠ્યા નથી. જોકે એક આત્મહત્યા કેસમાં અચલ ત્યાગી પર આંગળીઓ ઉઠી હતી. જેમાં મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટર કિરીટ પટેલે પોલીસ કાર્યવાહી નહીં થતી હોવાથી જીવન ટૂંકાવી લીધું હતું. મરતા પહેલાં કિરીટભાઈએ લખેલી સ્યૂસાઈડ નોટમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને મોઢેરા PSI એસ.જે.રાઠોડે આરોપીઓ પાસેથી રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ ઉપરાંત એકપણ કેસમાં અચલ ત્યાગી પર ક્યારેય કોઈ જ આંગળી ઉઠી નથી. પરંતુ હવે એક વખત ફરીથી અચલ ત્યાગીનો વિસ્તાર ડબ્બા ટ્રેડિંગનો હબ્બ બની ગયો છે અને આટલા ગંભીર અપરાધને લઈને તેઓ પોતે અજાણ હોય તો તેને ફરજ ચૂક કહીએ તો પણ અયોગ્ય ગણાશે નહીં.
અપરાધીઓને કોઈ જ ડર કેમ નથી?
સેધાજી-અનિલ જેઓ અપરાધ જગતમાં પોતાનું કાઠૂ કાઢી રહ્યાં છે. તેઓ પોતાની અપરાધિક ગતિવિધિઓ જરાપણ ડર વગર કરી રહ્યાં છે. આ અપરાધિક દુનિયામાં તેઓ પોતાનું નામ બનાવી રહ્યાં છે. તો પ્રજાએ પોતાની રક્ષા અને વિકાસ માટે ચૂંટીને સત્તામાં મોકલ્યા છે, તેવા લોકો કથિત રીતે ક્યાંકને ક્યાંક આવા અપરાધીઓને છાવરી રહ્યાં હોવાની ગંધ આવી રહી છે.
જ્યારે કોઇ વ્યક્તિ અપરાધિક ગતિવિધિઓ કોઈ જ ડર વગર કરતો હોય તો શું માનવું? સ્વભાવિક છે કે તેને કોઈ છાવરી રહ્યું છે. હવે મીડિયા માત્ર પોતાનો રિપોર્ટ પ્રકાશિત કરીને આવા લોકોને ખુલ્લા પાડી શકે છે તેમને જેલના સળીયા પાછળ ધકેલી શકતી નથી. તે જવાબદારી રાજ્યના લોકોના રક્ષણ કરવા માટે રાખેલી પોલીસની છે. પરંતુ પોલીસ જ અપરાધીઓના ખોળામાં જઈને બેસી જાય તો લોકશાહીનો કોઈ અર્થ રહેતો જ નથી. અપરાધીઓને પકડવાની સિસ્ટમનો પણ કોઈ અર્થ રહેતો નથી.
સેધાજી-અનિલ જેવા અપરાધીઓને મહારાષ્ટ્ર, ઝારખંડ કે અન્ય રાજ્યની પોલીસ ઝડપી લેશે અથવા એટીએસના શિકંજામાં આવશે તો છેલ્લે મહેસાણા એસપી અને વિસનગર પોલીસ પર જ આંગળીઓ ઉઠવાની જ છે. સનાતન સત્યને સ્વીકારવું રહ્યું પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના કારણે વર્તમાન સમયમાં ડબ્બા ટ્રેડિંગ કરતાં અપરાધિ અનિલ-સેધાજી પોતાની અલગ જ ધૂનમાં છે.
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગને ડામવા સેધાજીને જ નહીં અનિલને પણ પકડવો પડશે
કેવી રીતે કરે છે ડબ્બા ટ્રેડિંગ
સેધાજી અને અનિલ ડબ્બા ટ્રેડિંગને એક નવી ઉંચાઈ પર લઈ જઈ રહ્યાં છે. એક સમય હતો કે, વિસનગરના આ વિસ્તારમાં દારૂનો ધંધો પૂરજોશમાં હતો પરંતુ સેધાજી અને અનિલે તેમાં ટ્વિસ્ટ લાવ્યા અને સાઈબર ક્રાઈમ-ડબ્બા ટ્રેડિંગના અપરાધમાં જોડાઇને કરોડો રૂપિયાનુ ટર્ન ઓવર કરવા લાગ્યા. આ કરોડો રૂપિયાના ટર્ન ઓવર પાછળ પ્રકાશ ઉર્ફે સેધાજી અને અનિલને છેલાજી અને ગોપાળનો સાથ મળ્યો છે. છેલાજી અને ગોપાળ આ બે એવા નામો છે, જેઓ ડબ્બા ટ્રેડિંગની દુનિયામાં પોતાની એક અલગ જ ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમના અંગે પણ ક્યારેક વિસ્તારપૂર્વક વાત કરીશું.
દેશી દારૂના ધંધામાં રિસ્ક વધારે અને આવક ઓછી હોવાના કારણે ડબ્બા ટ્રેડિંગમાં અપરાધીઓ પોતાનું નશીબ અજમાવવા લાગ્યા હતા. હવે તેમને આ અપરાધને કરવા માટે એક સિસ્ટમ વિકસાવવાની જરૂર હતી. તે સિસ્ટમ તેમને શેર માર્કેટના નિષ્ણાત લોકો પાસેથી શિખી લીધી અને ત્યાર પછી શરૂ થયો અપરાધની દુનિયાનો નવો ચેપ્ટર.
આ ચેપ્ટર શરૂ થયા પછી અત્યાર સુધીમાં તેમાં અનેક નવા ચેપ્ટર ઉમેરનારાઓમાં સેધાજી-અનિલ અવ્વલ નંબરે આવે છે. તેઓએ એક આખી સિસ્ટમ બનાવી દીધી છે. લોકોના મોબાઈલ નંબરના ડેટાથી લઈને છેતરપિંડીની સ્ક્રીપ્ટ તૈયાર કરવા સુધીની કામગીરી તેઓ કરી રહ્યાં છે. આ સ્ક્રિપ્ટ એકદમ સિમ્પલ હોય છે,જેમાં શેર બજાર વિશેની પાયાની માહિતી લખેલી હોય છે અને તેના થકી તેઓ સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરે છે. તેમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ નીચે આપેલા છે, તેના ઉપર તમે નજર કરી શકો છો.
આ ફોટોગ્રાફ્સમાં એક મોબાઈલ ડેટાનો પણ ફોટો છે, જેમાં નાના અક્ષરે NI,NR, BG, SO વગેરે જેવા શબ્દો લખેલા છે, તેનો અર્થ નોટ ઇન્ટરસ્ટેડ, નોટ રિચેબલ, ફોન બીજી આવતો હોવાની માહિતી શોર્ટમાં લખી છે.
પોલીસ કોઈપણ પગલા ન ભરતા અપરાધીઓની હિંમતમાં વધારો
અપરાધી સેધાજી-અનિલે ડબ્બા ટ્રેડિંગ થકી કરોડો રૂપિયાની પ્રોપર્ટી વસાવી લીધી છે તો કરોડો રૂપિયાનું બેલેન્સ બનાવી લીધું છે. હવે આ અપરાધીઓ એક એવી ઉંચાઈ પર પહોંચી ગયા છે કે તેઓ પૈસાના જોરે કંઈ પણ કરી શકશે તેવું વિચારી રહ્યાં છે. તેથી તેમને સરકારી એજન્સીઓનો પણ ડર રહ્યો નથી. તો બીજી તરફ મીડિયા રિપોર્ટમાં તેમના નામ પ્રકાશિત થયાં છતાં પોલીસે કોઈ જ પગલા ન ભરતા તેમની હિંમતમાં વધારો થઈ ગયો છે.
અત્યાર સુધી અપરાધ જગતમાં તેઓ પડદા પાછળના વિલન હતા. એટલે કે ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા અને અન્ય અપરાધોમાં સંડોવાયેલા અપરાધીઓ જ તેમને ઓળખતા હતા. પરંતુ હવે ધીમે-ધીમે તેઓ જાહેર જનતા સામે આવી રહ્યાં છે. તેથી પહેલા તેઓ લોકલ વિલન બનશે અને તે પછી રાષ્ટ્રીય વિલનના રૂપમાં નવી ઓળખ મેળવી લેશે. જો પોલીસની રહેમ નજર રહેશે તો ઈન્ટરનેશનલ ઓળખ મેળવવામાં પણ સેધાજી અને અનિલ સફળ રહી શકે છે.
પરંતુ યક્ષ પ્રશ્ન તેના સ્થાને યથાવત રહેશે. પોલીસ શું કરી રહી છે? આજ નહીં તો કાલે જવાબદાર લોકોને જવાબ તો આપવો જ પડશે?
આ પણ વાંચો : પીન્ટુ ભાવસારને તો પકડ્યો પરંતુ તેના રાઇટહેન્ડ સેધાજીને ક્યારે પકડવામાં આવશે ?