આજે પરમા એકાદશીઃ અધિક માસમાં આવતી એકાદશીનું ખૂબ હોય છે મહત્ત્વ
- અધિક માસમાં આવતી એકાદશી હોય છે ખૂબ ખાસ
- અધિક શ્રાવણ હોવાથી એકાદશીએ શિવજીની પણ થાય છે પૂજા
- અધિક માસની પરમા એકાદશી ધન સંકટ દૂર કરનારી માનવામાં આવે છે
સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે. જો કે વર્ષમાં 24 એકાદશીઓ હોય છે, પરંતુ જે વર્ષમાં અધિક માસ હોય છે, તે વર્ષમાં 26 એકાદશીઓ આવે છે. એકાદશી તિથિ વિષ્ણુ ભગવાનની પ્રિય છે અને આધિક માસ પણ વિષ્ણુજીને સમર્પિત છે, તેથી આ એકાદશીનું મહત્વ ધાર્મિક દૃષ્ટિકોણથી પણ વધારે છે. શ્રાવણ અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પરમ એકાદશી કહેવાય છે. આ દિવસે એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ સિવાય શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની સાથે ભોલેનાથની પણ પૂજા કરવાનો નિયમ છે.
અધિક માસની પરમા એકાદશી ધન સંકટ દૂર કરનારી માનવામાં આવે છે તેમજ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે અને દુ:ખ અને દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે પરમા એકાદશી, તેના નામ અનુસાર પરમ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારુ વ્રત છે. શાસ્ત્રો અનુસાર જ્યારે યક્ષના સ્વામી કુબેરે આ વ્રતનું પાલન કર્યું ત્યારે શિવજી પ્રસન્ન થયા હતા અને તેમને ધનનો અધિપતિ બનાવ્યો હતો. એટલું જ નહીં, આ વ્રત કરવાથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજ્ય પ્રાપ્ત થયું હતું. એવી માન્યતા છે કે આ વ્રત દરમિયાન પાંચ દિવસ સુધી સોનાનું દાન, વિદ્યા દાન, અન્ન દાન, ભૂમિ દાન અને ગાયનું દાન કરવું જોઈએ, આમ કરવાથી વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન-ધાન્યની કમી નથી રહેતી. .
આ રીતે કરો પૂજા
ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય માનવામાં આવે છે, તેથી વિષ્ણુની પૂજા કરતા પહેલા ગણેશજીની પૂજા કરો. આ દિવસે સંસારના રક્ષક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.પૂજા સ્થાનના ઉત્તર-પૂર્વ ખૂણામાં એક વેદી બનાવી તેના પર સાત ધાન મુકો અને તેના પર પાણીનો કલશ મુકો અને શણગાર કરો. તેને આંબા અથવા અશોકના પાનથી સજાવો. વિષ્ણુજીની સાથે મા લક્ષ્મીની મૂર્તિ અવશ્ય રાખવી. દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરીને તમામ દેવતાઓનો અભિષેક કરો. આ પછી પાણીથી અભિષેક કરો. ત્યારબાદ પીળા ફૂલ, મોસમી ફળો, તુલસી વગેરે ચઢાવો અને ધૂપ-દીપ અને કપૂરથી ભગવાન વિષ્ણુની આરતી કરો. આ દિવસે વિષ્ણુજીના મંદિર અને તુલસી નીચે દીપદાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દાન અવશ્ય કરો.
આ પણ વાંચોઃ વધુ સુવુ આ સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલુ છે