અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

MORNING NEWS CAPSULEમાં વાંચો રાહુલ ગાંધી વધુ એક યાત્રા શરૂ કરશે, DRIએ પકડ્યું 10 કરોડનું કોકેઇન, જાણો આજે ચંદ્ર પર ક્યું અભિયાન શરૂ થશે

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા 2.0
રાહુલ ગાંધીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત જોડો યાત્રા કાઢી હતી. આ યાત્રા કન્યાકુમારીથી શ્રીનગર સુધીની હતી. હવે રાહુલ બીજી ભારત જોડો યાત્રા કાઢશે. તે ગુજરાતથી મેઘાલય સુધી રહેશે. રાહુલ ગાંધીની સંસદમાં વાપસી બાદ કોંગ્રેસ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રાહુલ ટૂંક સમયમાં તેમની બીજી ‘ભારત જોડો યાત્રા’ પર જશે. આ યાત્રા ગુજરાતથી મેઘાલય સુધીની હશે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ ભારત જોડો યાત્રા ભાગ 2 વિશે મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો, તેથી હવે બીજી ભારત જોડો યાત્રા કાઢવાની તૈયારીઓ કરવામાં આવી છે.

અમદાવાદમાં રોગચાળાનો ભરડો
રાજ્યમા ચોમાસા બાદ અનેક શહેર અને ગામડાઓમાં પાણીજન્ય અને મચ્છરજન્ય તેમજ કન્જક્ટિવાઈટીસ રોગ વકર્યા છે. ત્યારે અમદાવાદમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ચાલુ મહિનામાં મેલેરિયાના 24 કેસ, ડેન્ગ્યુના 87 કેસ, ચિકન ગુનિયાના 3 કેસ, ઝાડા ઊલટીના 255 કેસ, કમળાના 28 કેસ, ટાઈફોઈડના 114 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં પઆંખ આવવાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શહેરમાં હાલ દરરોજના 1 હજારથી પણ વધુ કન્જક્ટિવાઈટીસના કેસ નોંધાઈ રહ્યા છે. જો શહેરમાં અત્યાર સુધીના નોંધાયેલા કેસ ઉપર નજર કરવામાં આવે તો કન્જક્ટિવાઈટીસના 60 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે. જેને લઈને અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે 1 લાખ કરતાં પણ વધારે આંખનાં ટીપાંનું વિતરણ કર્યુ છે.

ગાંધીધામ ખાતેથી DRIએ કોકેઈન ઝડપ્યું
કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ 1.04 કિલો કોકેઈન જપ્ત કર્યું છે, જેની કિંમત 10.4 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. ગઈકાલે ડ્રગ્સ હોવાની આશંકાએ DRIએ કન્ટેનરને અટકાવ્યું હતું. DRI વિભાગે મીઠી રોહર ગામ નજીક આવેલા એ.વી. જોશીના વેરહાઉસમાં તપાસ હાથ ધરી હતી, એ દરમિયાન જથ્થો મળી આવ્યો હતો, જેમાં લાકડાંની આડમાં એક પેકેટ શંકાસ્પદ જણાતાં તેની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એ કેકોન હોવાનું ખૂલ્યું હતું.

સંસદના ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા
સંસદના ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. આજે ચર્ચાનો બીજો દિવસ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેશે. વિપક્ષી ગઠબંધન ભારત દ્વારા કેન્દ્ર સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા મંગળવારથી શરૂ થઈ હતી. તેની શરૂઆત કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કરી હતી. પ્રથમ દિવસે 6 કલાક સુધી બંને પક્ષના સાંસદોએ ગૃહમાં ચર્ચામાં જોરશોરથી ભાગ લીધો હતો. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જેઓ પુનઃસ્થાપિત થયા પછી સોમવારથી સંસદમાં પાછા ફર્યા હતા, તેમણે મંગળવારે ચર્ચામાં બોલ્યા ન હતા પરંતુ ગુરુવારે ચર્ચામાં ભાગ લે તેવી શક્યતા છે.

રાજપીપળા ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણ
બોટાદ જિલ્લામાંથી જૂથ અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામમાં ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મુદ્દે ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે થોડીવારમાં મારામારીમાં પરિણમી હતી. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવાને લઈને બંન્ને જૂથના લોકો તીક્ષ્ણ હથિયારો વડે સામસામે આવી ગયા હતા. બન્ને જૂથના લોકોએ કુહાડી, લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે સામસામે હુમલો કર્યો હતો. બંને જૂથે સામસામે હથિયાર વડે સામ સામે હુમલો કરતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો.

ડાયરેક્ટર સિદ્દીકી ઈસ્માઈલનું હાર્ટ એટેકથી નિધન
સાઉથ ઈન્ડિયન સિનેમામાં મોટા ગજાનું નામ ધરાવતા અને સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડના ડાયરેક્ટર સિદ્દીકી ઈસ્માઈલનું હાર્ટ એટેકના કારણે કોચીની હોસ્પિટલમાં નિધન થયું છે. 63 વર્ષીય સિદ્દીક ઈસ્માઈલ મલયાલમ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ન્યુમોનિયા અને લીવરની બીમારીથી પીડિત હતા. તેમની તબિયત બગડતાં તેમને કોચીની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન (ECMO)ના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. સિદ્દીકનું અચાનક દુનિયાને અલવિદા કરવું એ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટો આંચકો છે.

આજે ચંદ્રની પરિભ્રમણ કક્ષાને નાની કરવાનું અભિયાન શરૂ થશે.
ચંદ્રયાન-3 આજે બપોરે 1 વાગ્યાની આસપાસ ચંદ્રની પરિભ્રમણ કક્ષાને નાની કરવાનું અભિયાન શરૂ થશે. ઓર્બિટ ઘટાડવાના આ ઓપરેશન ઉપરાંત 17 ઓગસ્ટ સુધી ચંદ્રયાન અનેક ઓપરેશન હાથ ધરશે, ઇસરોના જણાવ્યા મુજબ 23 ઓગસ્ટના રોજ ચંદ્ર સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ થશે. મહત્વનું છે કે,ઇસરો દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા સ્પેશ સ્ટેશન ખાતે 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ કરવામાં આવ્યુ છે. અવકાશમાં 42 દિવસ સુધીની મુસાફરી કરીને ચંદ્રયાન-3 આગામી 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ઉતરણ કરશે. જો ચંદ્રયાન-3નું લેન્ડિંગ સફળ થયુ તો તો ચંદ્ર પર ઉતરણ કરનાર ભારતનું પ્રથમ અવકાશયાન હશે. નોંધનિય છે કે, વર્ષ 2019માં ચંદ્રયાન-2 સાથે ભારતને ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરવામાં સફળતા મળી ન હતી.

CHANDRAYAN- Humdekhengenews

દેશના ખૂણે ખૂણે સુરતમાં બનેલા તિરંગા લહેરાશે
ટેક્સટાઇલ સિટી સુરતમાં હાલ સ્વતંત્રતા પર્વને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અહીં લાખોનીની સંખ્યામાં ઉદ્યોગકારો તિરંગા બનાવી રહ્યા છે. જે દેશના ખૂણે ખૂણે જશે. માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ જ આ કાર્ય માટે કાર્યરત નથી, પરંતુ પોસ્ટ વિભાગ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સુરતના પોસ્ટ વિભાગ દ્વારા દરરોજ 10 લાખ તિરંગા દેશનાં અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે, જેથી દરેક ઘરે તિરંગા પહોંચી શકે અને આ વર્ષે પણ ગત વખતની જેમ ઉત્સાહભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જોવા મળશે.

Back to top button