- 14મી ઓગસ્ટ સુધીમાં બાકી દસ્તાવેજો કરાવી લેવા પડશે
- જુના સ્ટેમ્પનો ઉપયોગ કરવો ન હોય તો રીફંડ મળશે
- 15મી એપ્રિલ પહેલા પુરા સ્ટેમ્પ સાથેનો દસ્તાવેજ તૈયાર કરેલો હોવો જોઈએ
રાજ્યના જે નાગરીકોએ 15 એપ્રિલે નવી જંત્રી અમલમાં આવી તે પહેલાં પક્ષકારોની સહી સાથે તૈયાર પુરો સ્ટેમ્પ લગાડેલા દસ્તાવેજો તૈયાર કરેલા છે તેમને જુની જંત્રીનાં દરનો લાભ લેવો હોય તો 14 ઓગસ્ટ સુધી તેની નોંધણી કરાવી લેવી પડશે.15 એપ્રિલથી 14 ઓગસ્ટ સુધીની ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થતી હોવાથી તે પછી નોંધણી માટે રજુ થનારા આવા દસ્તાવેજોને નવી જંત્રીના દર લાગુ પડશે. તે સાથે જે પક્ષકારોને કોઈપણ કારણસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોય અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો સ્ટેમ્પ ખરીદીની તારીખથી છ માસની સમય મર્યાદામાં તેમને રિફંડ માટે સક્ષમ અધિકારીને અરજી કરવા પણ સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર દ્વારા જણાવાયું છે.
15મી એપ્રિલથી લાગુ થયો નવો જંત્રી દર
રાજયના મહેસુલ વિભાગ દ્વારા 15 એપ્રિલથી જંત્રીનાં નવા ભાવ લાગુ કરવામાં આવ્યા હતા. એકાએક બમણા દરની તે સમયે જાહેરાત થતાં ભારે ઉહાપોહ થયો હતો. તે પછી સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર દ્વારા તેમાં ચાર માસની શરતી રાહત અપાઈ હતી. જેમાં 15 એપ્રિલ કે પછી નોંધણી માટે રજુ થતો દસ્તાવેજ 15 એપ્રિલ પહેલા (14-4-2023) સુધીમાં પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલા અથવા સહી થયાની તારીખ પછીનાં તરત કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લઘાડેલો હશે તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં 15-4-2023 એ લાગુ કરાયેલો વધારેલો જંત્રી ભાવ લાગુ પડશે નહિં અને તેમાં તે પહેલાના ભાવ વધારા સિવાયનાં અમલી જુની જંત્રીના ભાવ મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત અને સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવશે.
14 એપ્રિલ પહેલા મતુ થયેલો હોવો જોઈએ
આ સમય મર્યાદાના ચાર માસ એટલે કે 14-8-2023 સુધીમાં દસ્તાવેજની નોંધણી કરાવવામાં ગણતરીના દિવસો બાકી હોવાથી સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર દ્વારા નાગરીકોને 15-4-2023 પહેલા મતુ થયેલુ હોય અને સ્ટેમ્પ વાપરેલો હોય તેવા દસ્તાવેજો લેખોની નોંધણી 14 ઓગસ્ટ સુધીમાં કરાવી લેવા જણાવાયું છે.