આઇ ફ્લૂ થાય તો ન કરતા આ એક ભૂલઃ જઇ શકે છે આંખોની રોશની
- દેશભરમાં અત્યારે ચાલ્યો અખિયાં મિલાકે
- કન્જક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે
- આઇ ફ્લૂમાં તરત એકબીજાને ચેપ લાગે છે
ગુજરાત અને દિલ્હી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં આઇ ફ્લૂ (કન્જક્ટિવાઇટિસ)નો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. તમે આસપાસમાં પણ આઇ ફલૂના દર્દીઓને જોઈ શકો છો. આ એક પીડાદાયક આંખનો રોગ છે જેને તબીબી ભાષામાં કન્જક્ટિવાઇટિસ પણ કહેવાય છે. આઇ ફ્લૂના લક્ષણો વિશે વાત કરીએ તો, દર્દીઓની આંખો લાલ થઇ જાય છે. આંખમાં સતત પાણી નીકળે છે, આંખમાં દુખાવો અને બળતરા થાય છે.
આ કામ બિલકુલ ન કરતા
આઇ ફ્લૂને બોલચાલની ભાષામાં આંખ આવી કે અખિયાં મિલાકે તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં આંખો લાલ થવાની સાથે સાથે સોજો પણ આવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે આઇ ફ્લૂને કારણે પીડિત લોકો બજારમાંથી કોઈ પણ આઈ ડ્રોપ લઈને આંખોમાં નાખી દે છે. આવું કરવું તમારી આંખો માટે ખતરનાક બની શકે છે. આમ કરવાથી આંખોને નુકસાન થવાની સાથે સાથે આંખની રોશની ઝાંખી પડવાનો ભય રહે છે. આ વાત એઇમ્સના ડોક્ટરોએ કહી છે.
આંખોની રોશની જઇ શકે છે
આઇ ફ્લૂથી પીડિતા લોકો તેમની આંખોની સારવાર માટે સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરે છે. એઇમ્સએ તેના ઉપયોગ સામે ચેતવણી જારી કરી છે. એઇમ્સના ડોક્ટર જે એસ ટિટિયાલે જણાવ્યું છે કે આંખોમાં સ્ટીરોઈડ વાળા આઈ ડ્રોપ્સ નાખવાના બે અઠવાડિયા પછી, કોર્નિયા પર ડાઘ ધબ્બા થવાનો અને આંખો પર દબાણ વધવાનો ખતરો રહે છે. એઇમ્સએ તેના ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં સ્ટીરોઈડનો સમાવેશ કર્યો નથી અને અત્યંત જરૂરિયાતના કિસ્સામાં તેને ડોક્ટરની સલાહ પર ઉપયોગમાં લેવાની ચેતવણી આપી છે. સ્ટેરોઇડ્સ આપવાથી દર્દીઓને ઝડપી રાહત મળી શકે છે, પરંતુ પાછળથી આંખો બગડવા અને આંખોની રોશની નબળી પડવાનું જોખમ રહેલું છે.
આઇ ફ્લૂથી બચવા માટે અજમાવો આ ઉપાય
- સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા
- ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં ન આવવું
- દૂષિત વસ્તુઓને સ્પર્શવું નહીં અને તેમના સંપર્કમાં આવવું નહીં
- દૂષિત નેપકિન્સ અથવા ટુવાલનો ઉપયોગ કરીને દૂષિત પાણીમાં તરવું નહીં
- ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ આંખના ટીપાંનો ઉપયોગ કરવો
- આંખમાં ટીપાં નાંખતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો
- જો એક આંખમાં જ ઇન્ફેક્સન હોય તો બંને આંખો માટે એકસરખા ડ્રોપનો ઉપયોગ કરવાનું ટાળો.
- આંખોને ઘસશો નહીં, આનાથી વધુ ચેપ લાગી શકે છે.
આ પણ વાંચોઃ ભારતીય કફ સિરપ પર ફરી થઇ બબાલઃ WHOએ શું એલર્ટ જારી કર્યુ?