ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના વાસણા પાસે બનાસ નદીમાં નાહવા પડેલો યુવક ડૂબ્યો

  • સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી
  • પટણી પરિવારમાં થોડા વર્ષોમાં બે યુવકો ડૂબ્યા

પાલનપુર : બનાસ નદીમાં વધુ એક યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના વાસણા ગામે બકરા ચરાવવા મિત્રો સાથે ગયેલો એક યુવક નદીમાં નાહવા પડતા ડૂબી જતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવને પગલે ડીસા તાલુકા પોલિસ સહિત સ્થાનિક તરવૈયાઓની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી છે.

ડીસા તાલુકાના વાસણા ગામ પાસે બનાસ નદીમાં એક યુવક ડૂબ્યો હતો. વાસણા ગામે રહેતો શૈલેષ પટણી નામનો 18 વર્ષીય યુવક તેના ત્રણ મિત્રો સાથે બકરા ચરાવવા બનાસ નદી તરફ હતો. તે સમયે શૈલેષ નદીમાં નાહવા પડતા પાણીના વમળમાં ફસાઈ જતા ડૂબવા લાગ્યો હતો. શૈલેષને ડૂબતો જોઈ તેના મિત્રો પણ તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા, પરંતુ ઘણા પ્રયાસો કરવા છતાં શૈલેષને ડૂબતો બચાવી ન શક્યા.

આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને યુવકને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો યુવક ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં ગામના સરપંચ સહિત યુવકના પરિવારજનોએ જાણ કરતા ડીસા તાલુકા પોલીસ સહિત અધિકારીઓની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને ફાયર સેફ્ટીના સાધનો સાથે સ્થાનિક તરવૈયાઓની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી હતી. આ અંગે પરેશ પટણી અને જીવણભાઈ પટણીએ જણાવ્યું હતું કે, શૈલેષ મિત્રો સાથે બકરા ચરાવવા માટે ગયો હતો અને તે સમયે નદીમાં નાહવા પડતા તે ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ બચાવી ન શક્યા.

ઉલ્લેખનીય છે કે, ડૂબેલા યુવક શૈલેષ પટણીના કાકાનો દીકરો સનિ પટણી પણ અગાઉ 2017માં બનાસ નદીમાં જ ડૂબી જતા મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આજે ફરી એકવાર પટણી પરિવારમાં યુવક ડૂબી જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાસ નદીમાં પાણી છોડાયું ત્યારથી જ તંત્ર દ્વારા બનાસ નદીમાં અવરજવર ન કરવા માટે વારંવાર સૂચનાઓ આપી લોકોને અપીલ કરવામાં આવી છે. તેમ છતાં પણ કેટલાક લોકો તંત્રની આ સૂચનાને અવગણીને બનાસ નદીમાં નાહવા પડી રહ્યા છે અને બાદમાં આવી ઘટનાઓ સર્જાય છે. ત્યારે ફરી એકવાર તંત્ર દ્વારા નદી કાંઠે રહેતા અને ગામડામાં રહેતા લોકોને બનાસ નદીમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કેમ સાધારણ તાવ બાદ પણ થઈ રહ્યાં છે બાળકોના મોત? ચોમાસું રોગચાળા વચ્ચે વધ્યો મૃત્યુઆંક

Back to top button