ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભાવનગરમાં શિક્ષકોને ઘરે ઘરે જઈને વેચવો પડશે તિરંગો, જાણો કેમ?

Text To Speech
  • ભાવનગર જિલ્લા અધિકારીએ પરિપત્ર જાહેર કરતા ચર્ચા
  • શિક્ષકોને હવે ઘરે ઘરે ફરીને 25 રૂપિયામાં તિરંગો વેચવા જવું પડશે

કેન્દ્ર સરકાર દ્વારા ” હર ઘર તિરંગા ” અભિયાન અંતર્ગત દેશના દરેક શહેર અને ગામે તિરંગો પહોંચે તે માટે ટેક્સટાઈલ સિટી સુરત ખાતે 1 કરોડથી પણ વધુ તિરંગા તૈયાર કરવામાં આવી રહ્યા છે. પોસ્ટ વિભાગના સહકારથી સુરતથી દરરોજના 10 લાખ તિરંગા અન્ય રાજ્યોમાં રવાના થઈ રહ્યા છે.ત્યારે આ તિરંગાઓ ઘરે ઘરે પહોંચે તે માટેની જવાબદારી ભાવનગરમાં શાળાના શિક્ષકોને આપવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડે તેમ જોવા મળી રહ્યું છે.

તિરંગો પહોંચાડવાની જવાબદારી શિક્ષકોને અપાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર જિલ્લામાં આયોજન અધિકારી દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ તાલુકા શિક્ષણાધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક ગામોએ જિલ્લા કક્ષાએથી આવેલા તિરંગાનું વિતરણ કરવાનું થાય છે. જેથી ફાળવવામાં આવેલા તિરંગાઓ દરેક ગામે પહોંચી જાય અને રૂપિયા 25 લેખે વેચાય તે જવાબદારી સોંપવામાં આવી છે. બે દિવસમાં તિરંગાનું વેચાણ કરવાનું રહેશે. એક ઉદાહરણ જોઈએ તો ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને 12 ગામોમાં 1300 તિરંગા વેચવાનું કહેવાયું છે અને તેનો હિસાબ આપવાનું જણાવ્યું છે જે કામ શિક્ષકો કરશે.

વર્ગ શિક્ષણને ફટકો પડશે
મહત્વનું છે કે, ભાવનગરમાં શિક્ષકોને ગામેગામ જિલ્લા કક્ષાએથી આવેલા તિરંગાનું વિતરણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેમાં એક તિરંગાના રૂ.25 લેખે વેચાણ કરવાનું થાય છે. આમ, શિક્ષકો હવે ઘરે ઘરે તિરંગા વેચવા નીકળશે. જેથી વર્ગ શિક્ષણને ફટકો પડશે. મોટી માત્રામાં તિરંગા ગામમાં ઘર ઘર સુધી પહોંચાડવા શિક્ષકોને શિક્ષણની કામગીરી અટકાવી આ કાર્ય કરવું પડશે. જેથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી શકે છે.

આ પણ વાંચો : હર ઘર તિરંગા : ગુજરાતમાં સૌથી મોટો 250 ફૂટ લંબાઈનો ધ્વજ રાજકોટની બિલ્ડીંગમાં લાગ્યો

Back to top button