રાજ્યભરમાં ટમેટા સહિતનાં મોંઘા શાકભાજી તથા કઠોળ – મસાલા સહીતની ચીજોનાં ભાવ વધારાએ સામાન્ય વર્ગનું રસોડાનું બજેટ તો વેરવિખેર કરી જ નાખ્યું છે પણ સાથોસાથ રેસ્ટોરાં અને કેટરર્સ બિઝનેસ માથે પણ મોટો બોજ આવ્યો છે. હાલના મોંઘા ભાવના શાકભાજીને લીધે રેસ્ટોરાં સંચાલકોનો શાકભાજી – મસાલા પાછળનો ખર્ચ 50 ટકા વધી ગયો છે. કેટરીંગ વ્યવસાયમાં હાલ કોઈ સીઝન જ હોવાથી રાહત છે પણ આવનારા દિવસોમાં સીઝન આવતા જ ભાવવધારો નિશ્ચિત છે.
કઈ વસ્તુઓમાં કેટલો ભાવવધારો ?
છેલ્લા કેટલાંક વખતમાં મોટાભાગનાં શાકભાજી તથા મસાલામાં મોટો ભાવ વધારો થયો છે. ટમેટા લાંબા સમયથી 200 કે તેથી ઉંચા ભાવે વેચાય રહ્યા છે. આદુનાં 410, કેપ્સીકમનાં 200, ઉપરાંત અન્ય મરચા સહિત તમામ શાકભાજીમાં ભાવ વધારો છે. આટલુ ઓછુ હોય તેમ ખાણી-પીણીમાં અનિવાર્ય વપરાશ ધરાવતાં જીરૂ, મરચા પાઉડર, ધાણા, લસણ, વગેરેમાં પણ મોટો ભાવ વધારો થયો છે. રેસ્ટોરાં – ખાણીપીણીનાં વ્યવસાયમાં શાક્ભાજી, મસાલા પાછળનો ખર્ચ નોંધપાત્ર હોય છે. રેસ્ટોરાનું શાકભાજી મસાલા પાછળનૂં બજેટ-ખર્ચ 50 ટકા વધી ગયો છે. તેઓએ એમ કહ્યુ કે અત્યારે ઋતુગત તથા ધાર્મિક મહિનો હોવાથી ધંધા પ્રમાણમાં ઠંડા હોય છે. અત્યારે ભાવ વધારો કરાયો જ નથી. પરંતુ શ્રાવણમાં તહેવારો શરૂ થતાં જ ભાવો વધારવામાં આવે તેવી શકયતા નકારાતી નથી.
ફૂડ ડીલીવરીના ટ્રેન્ડથી માર્જીન કપાયું
અત્યારે ફૂડ ડીલીવરીનો ટ્રેંડ છે એટલે કેટલાંક વખતથી આમેય નફા માર્જીનને અસર થઈ હતી. હવે બેવડો માર પડયો છે. રેસ્ટોરા સંચાલકોએ કહ્યું કે ફૂડ ખર્ચમાં 20 ટકા હિસ્સો શાકભાજીનો હોય છે છેલ્લા એક માસમાં ભાવ ડબલ થઈ ગયા છે. શાકની ગ્રેવી હોય કે દાળ અથવા અન્ય કોઈપણ ચીજ હોય, ટમેટાનો ઉપયોગ થતો જ હોય છે અને તેના ભાવ અનેકગણા વધી ગયા છે. આ સંજોગોમાં શાકભાજી-મસાલાનો ખર્ચ 50 ટકા વધી ગયો છે. માર્જીનમાં કાપ આવ્યા છે.દર ચોમાસા વખતે શાકભાજીનાં ભાવ થોડા દિવસ ઉંચા રહેતા હોય છે. પરંતુ આ વખતે ગાળો લાંબો ચાલ્યો છે અને ભાવ વધારો પણ વધુ રહ્યો છે. એક અહેવાલ અનુસાર સારી – મીડીયમ રેસ્ટોરાંનું શાકભાજી-મસાલાનું માસીક બીલ 1.50 થી 2 લાખ થતુ હોય છે તે આ વખતે વધીને 2.50 થી 3 લાખ થઈ ગયુ છે.
આ પણ વાંચો : સમરસ હોસ્ટેલ: વિદ્યાર્થીઓને પુરતી સુવિધા ન મળતાં કર્યો હોબાળો