ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતનો ડંકો! વિદેશી પ્રવાસીઓ માટે ફરવા લાયક સ્થળમાં ગુજરાત પહેલી પસંદ

  • 1.78 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી
  • સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત પાંચમા સ્થાને
  • ભારતમાં સ્થાનિક પ્રવાસીઓમાં ગુજરાતનો હિસ્સો 7.85 ટકા

ગુજરાતમાં અલગ અલગ દેશોમાંથી વિદેશી પ્રવાસીઓ વિઝીટ કરવા માટે આવતા હોય છે. જેને લઈને કેન્દ્ર સરકાર પ્રવાસન મંત્રાલય દ્વારા આકંડા જાહેર કરવામાં આવતા હોય છે. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા દર વર્ષે આંકડા જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષનો આંકડો મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પ્રથમ નંબરે આવ્યું છે. જ્યારે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-૨૦૨૩ના અહેવાલ મુજબ વિદેશી પ્રવાસીઓની દ્દષ્ટિએ ગુજરાતે ભારતમાં પ્રથમ સ્થાન અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં 8.59 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી.જેમાંથી 1.78 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એટલે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો દેશમાં 20.70% સાથે સૌથી વધુ રહ્યો છે. એ જ પ્રમાણે વર્ષ 2022માં 1731.01 મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી. જેમાંથી 135.81 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા એટલે કે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 7.85% સાથે દેશમાં પાંચમા સ્થાને રહ્યો છે.
ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ

ગુજરાત આ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવનાર દેશનું પ્રથમ રાજ્ય

રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યાનુંસાર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ગત વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનને એક મિશન મોડ તરીકે લેવાના અનુરોધના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ પહેલો તેમજ પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસના પરિણામે આજે ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુજરાતમાં આવતાં પ્રવાસીઓ માટે અનેકવિધ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પ્રવાસન દ્વારા મહત્વનું એવું ATITHYAM પોર્ટલ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. ગુજરાત આ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પોર્ટલ ગુજરાતમાં આવતાં પ્રવાસીઓની સંખ્યાને ટ્રેક કરવા માટે રીઅલ-ટાઇમ ડેશબોર્ડ છે. સમગ્ર રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા મોનિટર કરવા આ એક મહત્વનું પ્લેટફોર્મ છે.

પ્રવાસીઓ માટે ગુજરાતમાં પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું

આ ડેશબોર્ડમાં મુખ્ય 3 ઘટકો જેમ કે જિલ્લા કક્ષાનો ફૂટફોલ, ડેસ્ટિનેશન લેવલ ફૂટફોલ અને MIS રિપોર્ટ શેરિંગ છે. ડેશબોર્ડની અન્ય વિશેષતાઓમાં પ્રવાસીઓની વિગતવાર પ્રોફાઇલ જેવી કે ઉંમર, મૂળ સ્થાન, પ્રકાર, પ્રવાસનો હેતુ વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યના જીએસડીપીમાં પ્રવાસન ક્ષેત્રનું યોગદાન અને તેની ખર્ચના હેતુ પરની વિગતો પણ ડૅશબોર્ડમાં ઉપલબ્ધ બનાવાઇ છે. રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યાને ડિજિટલ કરવાની આ પ્રકારની પ્રથમ પહેલ છે જેને ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા સંદર્ભે લેવાયેલા નીતિ વિષયક નિર્ણયોમાં આ પ્લેટફોર્મ માઇલસ્ટોન સાબિત થયું છે.

ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેક્ટરમાં પ્રવાસન ઈન્ફાસ્ટ્રક્ચર સુધારવામાં પ્રાધાન્ આપીને હોટલ અને વાહનવ્યવહારની સુવિધા પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ- આરામદાયક બનાવી છે. આ ઉપરાંત રાજ્યમાં હેરિટેજ ક્ષેત્રે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્થળો અને પરંપરાગત તહેવારોએ રાજ્યની અનન્ય સાંસ્કૃતિક તકોનો અનુભવ કરવા રસ ધરાવતા પ્રવાસીઓને આકર્ષા છે. ચાંપાનેર-પાવાગઢ ડેવલપમેન્ટ, રાણીની વાવ, સૂર્ય મંદિર, મોઢેરા અને ઐતિહાસિક શહેર અમદાવાદનો પણ સુગ્રથિત વિકાસ કરવામાં આવ્યો છે જેના પરિણામે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે.

આ પણ વાંચો : પાટણના સાયન્સ સેન્ટરમાં લોકાર્પણથી અત્યાર સુધી 7 લાખથી વધુ પ્રવાસીઓ લઈ ચુક્યા છે મુલાકાત

Back to top button