ગુજરાત

પાલનપુરમાં ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા ડીસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડીયો પાલનપુર 90.4 F.M. અને મહિલા કલા- નિધિ ટ્રસ્ટ, કાણોદરના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના ધોરણ- ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે પાલનપુર ખાતે જી. ડી. મોદી કોલેજ સંકુલમાં ‘‘તેજસ્વિનાવધીતમસ્તુ’’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૩૦ જેટલાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ અને જે શાળામાંથી ઉત્તીર્ણ થયા હોય તે શાળાના પ્રતિનિધિઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

જી. ડી. મોદી કોલેજ ખાતે ‘‘તેજસ્વિનાવધીતમસ્તુ’’ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. ગિરીશભાઈ ઠાકરે જણાવ્યું કે શિક્ષણરૂપી સમભૂજ ત્રિકોણના ખૂણામાં વિદ્યાર્થી, શિક્ષક અને વાલી રહેલા છે. વિદ્યાર્થીઓએ પોતે અર્જિત કરેલ વિદ્યાનો જીવનમાં યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. ભૂતપૂર્વ કલેકટર અને બનાસકાંઠા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ એસ. એસ. વાઘેલાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, જીવનમાં સંઘર્ષમાંથી ઘણું શીખવા મળે છે. તેઓએ વિદ્યાર્થીઓને સદગુણો કેળવી જીવનપંથ પર આગળ વધવાની સલાહ આપી હતી.


મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને રેડિયો પાલનપુર દ્વારા સંવાદ કરવામાં આવ્યો
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના નાયબ માહિતી નિયામક અમિત ગઢવીએ વિદ્યાર્થીઓને સબોધતા કહ્યું કે તેઓએ ખૂબ જ મહેનત કરી ઉત્તમ પરિણામો મેળવ્યા છે તેને ભવિષ્યમાં પણ શિસ્ત, સાતત્યતા અને મહેનત દ્વારા આગળ વધારજો. શિક્ષણ વિભાગના કેળવણી નિરીક્ષક નૈનેશ દવેએ વિદ્યાર્થીઓને મજબૂત સંકલ્પ કરી પોતે ઈચ્છતા હોય એ ક્ષેત્રમાં દ્રઢતાપૂર્વક આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં એસ. એસ. સી. બોર્ડમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવનાર કેસર શાહને શ્રેષ્ઠ સિધ્ધિ બદલ ખેસ, પુસ્તક અને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એવોર્ડ-૨૦૨૨ સાથે ડૉ. વિક્રમભાઈ એમ મહેતા, મુંબઈ તરફથી વિશેષ રીતે સન્માન કરાયું હતું. ઉપરાત, ધો.10 અને ધો.12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રેડિયો પાલનપુરના આર.જે. દ્વારા આ વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નો પૂછી એમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

Back to top button