બનાસકાંઠા : રેહાનને રાહત, કાનની રસી, હાડકાનો સડો જડમૂળમાંથી દૂર કરી બાળકને પીડામાંથી અપાવી મુક્તિ
- નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા બે કલાકનું સફળ ઓપરેશન ચાલ્યું
- કાનના ઓપરેશન બાદ રેહાન સંપૂર્ણ સ્વસ્થ
- પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી 13 દિવસની સારવાર બાદ અપાઈ રજા
પાલનપુર : મનુષ્યના શરીરમાં દરેક અંગ ખુબ જ અગત્યનું માનવામાં આવે છે. ખાસ કરીને શ્રવણ એટલે કે કાન એ કોમ્યુનિકેશનનું અભિન્ન અંગ માનવામાં આવે છે. જે સાંભળી શકતો નથી એ બોલવામાં પણ અસમર્થ હોય છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પાવડાસણ ગામના રહેવાસી રેહાન દિનેશભાઈ પીંજારા, જેની ઉંમર ૧૧ વર્ષ છે અને આ બાળકને છેલ્લા કેટલાય સમયથી કાનમાં રસી આવતી હતી તેમજ ઓછું સંભાળાતું હોઇ, તેને બેહરાશ જેવું લાગતું હોવાથી ડીસા તેમજ પાલનપુરની જાણીતી હોસ્પિટલોમાં તબીબી સારવાર લીધી હતી. પરંતુ દુઃખનું નક્કર પરિણામના મળતા આખરે થરાદ ખાતે રહેતા તેમના સગાસબંધીઓનો સંપર્ક કર્યો અને જાણકારી મેળવી કે, આમ તેમ ખોટા ખર્ચ કર્યા વિના આ બાળકની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી લો તો કદાચ તમારા દિકરાને સારું થઇ જાય.
દિનેશભાઇ પીંજારાને યોગ્ય માર્ગદર્શન મળતાં તેમણે પોતાના વ્હાલસોયા પુત્ર રેહાનને પાલનપુર ખાતે આવેલ પશુપાલકોની માલિકીની એકમાત્ર સંસ્થા શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી વિભાગમાં લઇ ગયા. ત્યાં રેહાનના અગાઉના તમામ રીપોર્ટસની તપાસ કરવામાં આવી તથા કાન તેમજ મગજનું સીટીસ્કેન કરવામાં આવ્યું. આ સીટી સ્કેન કરતાં ખબર પડી કે રેહાનના કાનના હાડકામાં સડો થાય છે અને તેની રસી મગજ સુધી પહોંચે તેમ છે એટલે ઓપરેશન કરવું જરૂરી હતું.
પાલનપુર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ર્ડા.સુનિલભાઈ જોષીના માર્ગદર્શનમાં ઓપરેશન વિભાગના ડૉ.હાર્દીકા પટેલ, ડૉ.શિલ્પા પરમાર, ડૉ.સાધના યાદવ, ડૉ.રૂપલ ચૌધરી સહિત નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા બે કલાકનું સફળ ઓપરેશન કરી રસી તેમજ હાડકાનો સડો જડમૂળમાંથી બહાર કાઢી રેહાનને કાનના દુઃખાવામાંથી રાહત અપાવી છે. ત્યારબાદ બાળક રેહાનને ફીમેલ સર્જીકલ વોર્ડ ખાતે દાખલ કરી જરૂરી રસીના ઇન્જેક્શનો ચાલુ કરવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે થતી કાનની તબીબી સારવાર પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવતા મજુરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા પરિવારને મોટી રાહત થઇ છે. કાનના ઓપરેશન બાદ રેહાનને રાહત થતાં અને સંપૂર્ણ સ્વસ્થ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી ૧૩ દિવસની લાંબી સારવાર બાદ રજા આપવામાં આવી છે. પાલનપુર ખાતે આવેલ અત્યંત આધુનિક તબીબી સારવાર માટે ચેરમેન પી.જે.ચૌધરીના માર્ગદર્શન થકી ઉત્તમ તબીબી સારવાર આપવામાં આવી રહી છે ત્યારે પરિવારે સિવિલ હોસ્પિટલ તેમજ ડોક્ટર સહિત નર્સિગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે બ્રિટીશ હાઈકમિશનર ટુ ઈન્ડીયા શ્રીયુત એલેક્ષ એલીસ