ખેડા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાંણે કોંગ્રેસને મળ્યો દગો, શહેર કોંગેસના પ્રમુખ સહિત 150 કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે.તે પહેલા જ ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ પહેલા ખેડા જિલ્લા કોંગ્રેસમાં ગાબડુ પડ્યું છે. આજે મહુધા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો અને ખેડા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 150 કાર્યકરોએ કોગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરી લીધો છે.
સ્થાનિક સ્વરાજ અને જિલ્લા પંચાયતની ચૂંટણી ટાંણે કોંગ્રેસમાં ગાબડું
મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા કેટલાય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. જેને લઈનેચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોના કાર્યકરો, હોદ્દેદારોમાં રાજકીય ચહલ પહલ તેજ જોવા મળી રહી છે. ત્યારે ચૂંટણી ટાંણે પોતાના શહેર કોંગ્રેસના હોદ્દેદાર સહિત કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરી લેતા કોંગ્રેસને ખેડામાં મોટો ફટકો પડ્યો છે. એક સમયે ખેડા જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ હવે ભાજપે તેને ધ્વસ્ત કરી દીધો છે. વિધાનસભામાં લાંબા સમયથી કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતા બેઠકો ભાજપે જીતી લીધી હતી. અને હવે ભાજપે ખેડા જિલ્લામાંથી કોંગ્રેસને નામશેષ કરવા માટે એક મુહીમ શરૂ કરી હોય એમ એક બાદ એક કોંગ્રેસીઓ ભાજપમા જોડાઈ રહ્યા છે.
આટલો લોકો કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, મહામંત્રી અપૂર્વ પટેલ, સ્થાનિક ધારાસભ્યો માતરના કલ્પેશ પરમાર અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં નડિયાદ સ્થિત કમલમ ખાતેના જિલ્લા ભાજપ કાર્યાલયમાં યોજાયેલા સમારંભમાં મહુધા તાલુકા પંચાયતના સભ્ય ભરતસિંહ સોઢા અને રમેશ વસાવાએ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી કેસરિયો ધારણ કર્યો હતો. આ સાથે જ ખેડા શહેર કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ પટેલ, રોહિત પટેલ સહિત 38થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં સામેલ થયા હતા. તેમજ મહુધામાંથી મળી અંદાજીત 150 લોકો ભાજપમાં જોડાયા છે.
આ પણ વાંચો : ગુજરાતના શિક્ષણ જગતમાં માફિયા રાજ શરૂ કરનાર બોથરા અને આકાશ જેવા ક્લાસીસ પર સરકાર કડક પગલાં લે: વિક્રમ દવે
જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે શું કહ્યું ?
આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રજાલક્ષી અભિગમ બધાના માટે કલ્યાણકારી યોજનાના ફળ સ્વરૂપ મહુધા વિધાનસભા વર્ષો બાદ અમે આંચકી છે અને મહુધાના સ્થાનિક ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ જનતાને ઉપયોગી બની રહેવાની કામ કરવાની નવતર શૈલીથી આકર્ષાઈ કોગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.
આ પણ વાંચો : રાજકોટ : શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ સોની બજારમાં પોલીસનો સપાટો, આટલા લોકો સામે કાર્યવાહી