રમુંણ બાદ હવે હરિયાવાડા પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાં માર્યા
પાલનપુર: દાંતીવાડા તાલુકાની હરીયાવાડા પ્રાથમિક શાળાને વાલીઓએ મંગળવારે તાળા મારી દીધા હતા. વાલીઓએ શાળાના કથળી ગયેલા શિક્ષણ માટે શિક્ષકોને જવાબદાર ઠેરવીને શિક્ષકોની બદલી કરવા માગણી કરી છે.
દસ વર્ષથી શિક્ષણ કથળતા વાલીઓ રોષે ભરાયા
થોડા દિવસ પહેલાં ડીસા તાલુકાની રમુંણ પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી હતી. હવે દાંતીવાડા તાલુકાના સરહદી છેડે આવેલી હરીયાવાડા પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાં મારી દીધાં છે. જેથી હાલમાં શિક્ષણ કાર્ય ઠપ થઇ જવા પામ્યું છે. આ અંગે વાલીઓનું કહેવું છે કે, ગામમાં ધોરણ ૧ થી ૮ સુધીની શાળા છે અને પાંચ શિક્ષકો છે. છેલ્લા દસ વર્ષથી શિક્ષકોનો સ્ટાફ બદલાયો નથી. શાળાનું શિક્ષણ અત્યંત કથળી ગયું છે. હજુ સુધી બાળકોને એકડો પણ લખતા આવડતું ન હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. વાલીઓએ શાળામાં વિખવાદ કરતાં શિક્ષકોની પણ બદલી કરવાની માગણી કરી છે. અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી શાળાના શિક્ષકોની બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળાના તાળા ખોલીશુ નહીં. વાલીઓએ આ પ્રશ્નને લઇને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી ઉકેલ લાવવાની અને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરનાર હોવાનું પણ જણાવ્યું છે.