- કેન્દ્રના આંકડા પ્રમાણે છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં માત્ર 2000 હેક્ટરમાં વાવેતર
- રાજ્યમાં માત્ર પાંચ હજાર ખેડૂતોને 10.94 કરોડ મળ્યાં
- દેશમાં કુલ 16.19 લાખ ખેડૂતો જોડાયેલા
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતીના બણગાં ફુંકવામાં આવે છે પરંતુ કેન્દ્રના દસ્તાવેજમાં હકીકત એવી છે કે છ વર્ષમાં માત્ર 2000 હેક્ટર વિસ્તારમાં માત્ર 5000 ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં પરંપરાગત કૃષિ વિકાસ યોજના (પીકેવીવાય) હેઠળ ખેતી કરતાં 16.19 લાખ ખેડૂતો છે, જેઓ કુલ વાવેતર વિસ્તાર પૈકી 11.85 લાખ હેક્ટર વિસ્તારમાં ઓર્ગેનિક ખેતી કરે છે. જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે તેમને કેન્દ્ર સરકારની સ્કીમ પ્રમાણે આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા છ વર્ષમાં કેન્દ્ર સરકારે કુલ 1804.76 કરોડ રૂપિયાની સહાય ચૂકવી છે જેમાં ગુજરાતના ખેડૂતોને માત્ર 10.94 કરોડ રૂપિયા મળ્યાં છે.
આંધ્રપ્રદેશ દેશમાં ટોપ ઉપર
રાજ્યવાર આંકડા પ્રમાણે ઓર્ગેનિક ખેતીમાં 2.65 લાખ ખેડૂતો સાથે આંધ્રપ્રદેશ ટોચક્રમે છે. આ રાજ્યમાં 2.06 લાખ હેક્ટરમાં ખેતી થાય છે અને ખેડૂતોને સૌથી વધુ 317.21 કરોડ રૂપિયાની સહાય મળી છે. રાજ્ય સરકારનો દાવો છે કે ગુજરાતમાં 32000 હેક્ટર વિસ્તારમાં ઓર્ગેનિક ખેતી થાય છે પરંતુ કેન્દ્રના ચોપડે ગુજરાતમાં માત્ર 2000 હેક્ટર વિસ્તાર બતાવવામાં આવ્યો છે.
ઓર્ગેનિક ખેતીમાં ટોપ ટેન રાજ્યો
રાજ્ય —– હેકટર વાવેતર —- ખેડૂતો
આંધ્રપ્રદેશ —– 2.06 —– 2.65
મધ્યપ્રદેશ —– 1.75 —– 1.91
ઉત્તરાખંડ —– 1.40 —– 2.24
રાજસ્થાન —– 1.23 —– 3.07
છત્તીસગઢ —– 1.09 —– 0.60
કેરાલા —– 0.96 —– 0.31
ઉત્તરપ્રદેશ —– 0.78 —– 0.56
ઓરિસ્સા —– 0.44 —– 0.52
મહારાષ્ટ્ર —– 0.32 —– 0.80
ઝારખંડ —– 0.24 —– 0.50
દેશમાં કુલ —– 11.85 —– 16.19