બનાસકાંઠા: પાંચ વર્ષથી ડીસાનો નાસતો ફરતો પોક્સોનો આરોપી ઝડપાયો
પાલનપુર: ડીસા તાલુકા પોલીસે પોક્સો એક્ટના નાસતા ફરતા આરોપીને લાખણીના ચિત્રોડા ગામે ઝડપી પાડ્યો છે. કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે વોરંટ નીકળતા પોલીસે આરોપીને તેના ગામેથી પકડી જેલના હવાલે કર્યો હતો.
કોર્ટમાં હાજર ન રહેતા પોલીસે આરોપીને પકડી જેલના હવાલે કર્યો
ડીસા તાલુકાના એક ગામમાંથી લાખણીના ચિત્રોડા ગામનો વિક્રમજી પીરાજી ઠાકોર 2018ની સાલમાં એક સગીરાને ભગાડી ગયો હતો. જે મામલે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી સબજેલના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન આરોપી જામીન પર છૂટ્યા બાદ કોર્ટમાં મુદ્દે હાજર રહેતો ન હતો.
જેથી ડીસાની સેશન્સ કોર્ટે આરોપી સામે વોરંટ જારી કરી તેને તાત્કાલિક પકડવા માટે હુકમ કર્યો હતો. ડીસા તાલુકા પોલીસે આરોપીને પકડવા વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી અને આ આરોપી તેના ઘરે લાખણીના ચિત્રોડા આવ્યો હોવાની માહિતી મળતાં જ ડીસા તાલુકા પોલીસે આરોપીને પકડી પાડી જેલના હવાલે કર્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં ખુલ્લા લોકવાળા વાહનોને ટાર્ગેટ બનાવી ઉઠાંતરી કરતો શખ્સ ઝડપાયો