ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં ખુલ્લા લોકવાળા વાહનોને ટાર્ગેટ બનાવી ઉઠાંતરી કરતો શખ્સ ઝડપાયો

પાલનપુર: ડીસામાં મોજશોખ માટે આંતરરાજ્ય વાહનચોરી કરતા બે શખ્સો ઝડપાયા છે. ડીસા ઉત્તર પોલીસે વાહન ચોરનાર અને ખરીદનાર બંને આરોપીઓને પકડીને 5 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને ત્રણ વાહનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર ઉત્તર પોલીસે ગુજરાત અને રાજસ્થાનના પાંચ ચોરીના ભેદ ઉકેલ્યા

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં વાહનચોરી કરીને પોલીસની ઊંઘ હરામ કરનાર આરોપીઓને ઝડપવામાં ડીસા ઉત્તર પોલીસને સફળતા મળી છે. ડીસા ઉત્તર પોલીસને વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ શખ્સ ચોરીનું એક્ટીવા લઈને વેચવા માટે ફરી રહ્યો છે. જેથી પોલીસે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન આખોલ ચાર રસ્તા તરફથી ડીસા તરફ આવી રહેલા શંકાસ્પદ એકટીવા ચાલકને ઊભું રખાવી પૂછપરછ કરતા તે હિતેશ સોનારામ માળી હોવાનું જાણવા મળેલું. જે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી હતો અને અત્યારે ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં રહેતો હતો. પોલીસે તેની ઉલટ તપાસ કરતા તેને એક્ટીવાની ચોરી કરી વેચવા માટે ફરતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વાહનચોરી-humdekhengenews

કડક પૂછપરછમાં એક પછી એક ચોરીના ગુના કબુલ્યા

આરોપીઓની પોલીસે કડક પૂછપરછ હાથ ધરતા તેણે એક પછી એક ચોરીના ગુના કબૂલવાનું શરૂ કર્યું હતું અને ઝડપાયેલા આરોપીએ ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએથી પાંચ વાહનોની ચોરી કરી વાવ તાલુકાના વાંઢિયાવાસ ખાતે રહેતા થાનાભાઈ ઉર્ફે થાનસિંગ મહાદેવભાઈ વેજીયાને વેચ્યા હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે એક ટીમને વાવ મોકલી ચોરીના વાહનો ખરીદનાર થાનસિંગની પણ અટકાયત કરી. તેની પાસેથી સ્લેન્ડર તેમજ ઇક્કો ગાડી મળી આવી હતી. પોલીસે અત્યારે ચોરીની એક્ટીવા, હીરો સ્પ્લેન્ડર બાઈક તેમજ ઇક્કો ગાડી મળી કુલ ત્રણ વાહનો કબજે કર્યા હતા. બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહનચોરી-humdekhengenews

ખુલ્લા લોકવાળા વાહનો આસાનીથી ચોરતા

પોલીસે ઝડપાયેલા આરોપીઓને ચોરી કરવા અંગેની ટ્રીક પૂછતા તસ્કરોએ જણાવ્યું હતું કે, તેઓ મોટાભાગે બાઈક કે ગાડીમાં લોક ખુલ્લા હોય તેવા વાહનોને જ ટાર્ગેટ કરતા હતા. કારણ કે મોટાભાગે લોકો બાઈકને લોક કરતા નથી અને પાર્ક કરેલા ખુલ્લા લોકવાળા વાહનો આસાનીથી ચાલુ થઈ જતા હોય છે. પળવારમાં વાહન લઈને તેઓ રફુચક્કર થઈ જતા હતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલા આરોપીઓને કઈ રીતે વાહન ચોરી કરતા તે અંગેનો ડેમો પણ બતાવ્યો હતો.

આ પણ વાંચો : શું તમે જાણો છો આ ઈયરબડ્સની કિંમત જેનો ઉપયોગ કરે છે વિરાટ કોહલી

Back to top button