ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સરકારની સહાય યોજના જાહેર

ગુજરાત: ગુજરાતના ખેડૂતો સમય જતાં ખેતીમાં અનેક નવા જુની કરતા હોય છે. રાજ્યમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યો છે. બાગાયતી પાકોમાં કાપણી પછી થતા બગાડને અટકાવવા માળખાકીય સુવિધા ઉભી કરવા માટેની મહત્વપૂર્ણ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ નવી યોજના માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા ૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

શું લાભ મળશે આ યોજનાથી?

આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં ગ્રેડીંગ, શૉર્ટીંગ અને પેકિંગ એકમ ઉભા કરવા તેમજ મશીનરી અને સાધનો માટે મહત્તમ ૨ લાખ/એકમ સહાય અપાશે. ૧૫૦ ચો.મી.માં બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા માટે મહત્તમ ૧૦ લાખ રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવાશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાગાયતી પાકોમાં કાપણી પછી થતા બગાડને અટકાવવા માળખાકીય સુવિધા ઉભી કરવા માટેની મહત્વપૂર્ણ યોજના(કાર્યક્રમ)ને મંજૂરી આપવામાં આવી છે. આ નવી યોજના માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા ૪૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ચાલુ વર્ષે જ શરુ કરવામાં આવેલી આ નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાગાયતી પેદાશોનું શોર્ટીંગ, ગ્રેડીંગ, પેકીંગ અને પાકનું મૂલ્યવર્ધન કરી ખેડૂતો બજારમાં સારા ભાવથી તેનું વેચાણ કરી શકે તે છે. બાગાયત ખાતાના આ નવા કાર્યક્રમના પરિણામે ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી આર્થિક રીતે સદ્ધર બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, જિલ્લા કલેકટરને સોંપાઈ સત્તા

મંત્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યું કે, આ નવી યોજના હેઠળ ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા માટે ઓછામાં ઓછું ૫૦ ચો.મીટર કે તેથી વધુના બાંધકામ એકમ પર ૩ લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઈ મહત્તમ ૫૦ ટકા અથવા મહત્તમ ૧.૫૦ લાખ પ્રતિ એકમ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રેડીંગ, શૉર્ટીંગ, પેકીંગ, વોશિંગ, પ્રાથમિક મૂલ્યવર્ધન, સંગ્રહ માટે ક્રેટસ વગેરે સાધનો માટે ૧ લાખ ખર્ચને ધ્યાને લઈ ખર્ચના મહત્તમ ૫૦ ટકા અથવા મહત્તમ ૫૦ હજાર એમ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, બાગાયતી પાકોમાં કાપણી પછી મૂલ્યવર્ધનની વિવિધ પ્રક્રિયા માટેના ઓછામાં ઓછા ૧૫૦ ચો.મી. સુધીના બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા માટે માળખાકીય સુવિધા, મશીનરી અને સાધન સામગ્રી વસાવવા ૨૦ લાખ પ્રતિ એકમ ખર્ચ ધ્યાને લઇ મહત્તમ ૧૦ લાખ સુધી સહાય આપવામાં આવશે. જેમાં બાંધકામ તથા આનુષંગિક સાધનો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ ૫ લાખ પ્રતિ એકમ એમ બંનેમાંથી જે ઓછું હોય તે કેપીટલ સહાય ચૂકવવામાં આવશે. આ ઉપરાંત બેન્ક લૉન પર વાર્ષિક પાંચ ટકા વ્યાજ સહાય, એમ પાંચ વર્ષ દરમિયાન વધુમાં વધુ ૫ લાખ સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવશે. આ તમામ સહાય DBTના માધ્યમથી સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની ભારે અસર બાદ જાણો જળાશયોમાં પાણીની આવક

Back to top button