પાલનપુર: આપણું રાજ્ય ગુજરાત શિલ્પકળાના ભવ્ય વારસાની સાથે પથ્થરની કુદરતી ખાણોથી સમૃદ્ધ છે અને એમાંય બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો કુદરતી સંપદાઓથી ભરપૂર છે. આ તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી નજીક પથ્થરોની ખાણો આવેલી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્ય સરકારના કમિશ્નર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા અંબાજી જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ નજીક સાપ્તી (સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ) અંબાજીનું વર્ષ-૨૦૦૯માં નિર્માણ કરવામાં આવ્યું હતુ.
પથ્થરોમાં પ્રાણ પુરતા કુશળ કારીગરોને જન્મ આપતી સંસ્થા (સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ)
રાજ્યના આદિજાતિ, પછાત વર્ગ તેમજ ગ્રામીણ યુવાનોને શિક્ષણની સાથે તાલીમનો અવસર આપી શિલ્પકળા/ પથ્થરકળા ક્ષેત્રે રોજગારી આપવા માટે સાપ્તી દ્વારા ૬ મહિનાના ટુંકાગાળાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં ભણવાની, રહેવાની તેમજ ભોજનની તમામ સુવિધાઓ નિઃશુલ્ક છે. આ સર્ટીફિકેટ અને ડિપ્લોામાં કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ- ૮ પાસ લાયકાત અને ૧૪ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. આ સંસ્થામાં અંબાજી ખાતે આરસપહાણ, સેન્ડસ્ટોન અને ગ્રેનાઇટ જેવા પથ્થરોને કંડારવાની તાલીમ આપી યુવાનોને સજ્જ કરવામાં આવે છે. તાલીમાર્થીઓને ડ્રોઇંગ, સ્કેચિંગ, ડિઝાઇનિંગ તથા પથ્થરને કંડારવાની કળાનું પ્રાથમિકથી લઈને ઉચ્ચસ્તરીય જ્ઞાન મળે છે. તાલીમાર્થીઓ અહીં વિવિધ સાધનો તથા પદ્ધતિઓ જેવીકે, પારંપરિક કંડારવાના સાધનો, હાથ વડે સંચાલિત પાવર ટુલ્સ, હવાથી સંચાલિત સાધનો, અદ્યતન મશીનો, લેથ ટર્નિંગ, સીએનસી ઑપરેશન્સ, વેલ્ડિંગ/બ્રેઝિંગ વગેરેમાં નિપુણતા મેળવે છે.
શિલ્પકળા તથા બેનમૂન કારીગરીના સમૃદ્ધ વારસાની જાળવણી અને પ્રોત્સાહન માટે સરકારની પહેલ
સાપ્તી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સીટી સાથે સંકળાયેલ છે તથા તેના બધા જ શૈક્ષણિક કાર્યક્રમો ગુજરાત કાઉન્સીલ ઑફ વૉકેશનલ ટ્રેનિંગ (GCVT) દ્વારા માન્યતા પ્રાપ્ત છે. સાપ્તીનાં શૈક્ષણિક કાર્યક્રમો આ ક્ષેત્રના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલા છે. આ સંસ્થામાં ઉચ્ચસ્તરીય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. સાપ્તીનું કેમ્પસ પ્રકૃતિની ગોદમાં વિશાળ જગ્યામાં, સ્વચ્છ અને વૃક્ષોથી હર્યાભર્યુ છે. બધા જ ભવનોમાં ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, વર્કશોપ્સ, હોસ્ટેલ્સ (૧૨૦ તાલીમાર્થીઓ), મનોરંજનના સ્થળ, સ્ટાફ માટે રહેવાની સગવડ, વર્કિંગ યુનિટ્સ, ભોજનાલય- આહારગૃહ, વહીવટી કચેરી, કોન્ફરન્સ રૂમ, વગેરે સુવિધાઓ અદ્યતન માપદંડો અનુસાર બનાવાયા છે. મુલાકાત લેનાર પ્રોફેશનલ્સ, શિલ્પકારો, વક્તાઓ વગેરે રહી શકે તે માટે એક અલાયદું અતિથિગૃહ પણ છે.
ક્લાસરૂમ્સ, વર્કશોપ્સ અને કમ્પ્યુટર લેબમાં અદ્યતન ઑડિયો- વિઝ્યુઅલના સાધનો, ઉદ્યોગને અનુરૂપ મશીન્સ/ ઓજારો અને આવશ્યક સોફ્ટવેર સાથેના અદ્યતન કમ્પ્યુટર વર્કસ્ટેશન્સ આવેલ છે. શિલ્પકારો માટે એક વિશાળ જગ્યા અને કમ્પ્યુટર માટે અલગ જગ્યા ફાળવવામાં આવેલ છે. શૈક્ષણિક સામગ્રીથી સજ્જ લાઇબ્રેરી જ્યાં વાંચન માટે પુસ્તકો, મેગેઝીન્સ અને સીડીઝ છે, જે શિક્ષણને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. પ્રાથમિક સારવારની સુવિધા દરેક ક્લાસરૂમ્સ/ વર્કશોપ્સમાં ઉપલબ્ધ છે તથા આપાત્તિની સ્થિતિમાં ઑન કૉલ ડૉક્ટરની પણ સવલત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજીની ઓળખસમા માર્બલમાંથી સુંદર સ્ટોન આર્ટિઝન પાર્ક અંબાજી ખાતે રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે ત્યારે આ શિલ્પ સિમ્પોઝીયમ દ્વારા તૈયાર થયેલા શિલ્પ આગામી સમયમાં અંબાજીની ઓળખ અને પર્યટનને વેગ આપવામાં ખુબ મહત્વનો બની રહેશે.