ટોપ ન્યૂઝટ્રાવેલનેશનલબિઝનેસ

દેશભરના વિવિધ એરપોર્ટ પર પ્રવાસીઓ પાસેથી દરરોજ લગભગ 25,000 પ્રતિબંધિત વસ્તુઓ કરાઈ છે જપ્ત

Text To Speech

બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ સોમવારે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશભરના વિવિધ એરપોર્ટ પર હવાઈ પ્રવાસીઓ પાસેથી દરરોજ લગભગ 25,000 પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવે છે. આ પ્રતિબંધિત વસ્તુઓમાંથી પાવર બેંક સૌથી વધુ જપ્ત કરવામાં આવી હતી.

એવિએશન સેફ્ટી કલ્ચર વીક-2023નું ઉદ્ઘાટન

દિલ્હીમાં BCAS હેડક્વાર્ટર ખાતે ડાયરેક્ટર જનરલ, BCAS, ઝુલ્ફીકાર હસને એવિએશન સેફ્ટી કલ્ચર વીક-2023નું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘દરરોજ અમે દેશના તમામ એરપોર્ટ પર લગભગ આઠ લાખ હેન્ડબેગ અને પાંચ લાખ ચેક-ઇન સામાનની તપાસ કરીએ છીએ. અમને ચેકિંગ દરમિયાન લગભગ 25,000 પ્રતિબંધિત વસ્તુઓ મળી છે. આ પ્રક્રિયામાં સુરક્ષા જવાનોને સમય પસાર કરવો પડે છે અને મુસાફરોનો સમય પણ વેડફાય છે.

BCAS કઈ પ્રતિબંધિત વસ્તુઓ કરે છે કબ્જે ?

BCASએ જણાવ્યું હતું કે ચેક-ઇન સામાનમાં મોટાભાગે જપ્ત કરાયેલ પ્રતિબંધિત વસ્તુઓ પાવર બેંક (44 ટકા), લાઇટર (19 ટકા), લૂઝ બેટરી (18 ટકા) અને લેપટોપ (11 ટકા) છે. લાઇટર (26 ટકા), કાતર (22 ટકા), છરી (16 ટકા) અને પ્રવાહી (14 ટકા) હેન્ડ બેગેજમાં જોવા મળે છે. હસને કહ્યું કે ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ માટે ફૂલપ્રૂફ સુરક્ષા જરૂરી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, અમે એક પણ ભૂલ સહન કરી શકતા નથી અને તેથી જ અમે લોકોને શિક્ષિત કરવા માટે એક અઠવાડિયાનો કાર્યક્રમ યોજ્યો છે. તેમણે કહ્યું કે આ કરવું મહત્વપૂર્ણ છે કારણ કે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ પ્રથમ વખત પ્રવાસીઓ છે.

દરરોજ 4.8 લાખ મુસાફરો હોય છે

દરરોજ 3,300 ફ્લાઇટ્સ અને 4.8 લાખ હવાઈ મુસાફરો સાથે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે ઉભરતા જોખમો વિશે વિગતવાર જણાવતા હસને જણાવ્યું હતું કે ડ્રોન સહિત સાયબર ધમકીઓ આ ક્ષેત્ર માટે નવા જોખમો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે મુસાફરોની સુરક્ષા માટે તમામ મોરચે કામ કરી રહ્યા છીએ. ફ્લાઇટમાં સવાર મુસાફરોની સુરક્ષાની સાથે, અમે એરપોર્ટના લેન્ડસાઇડ વિસ્તારમાં લોકોની સુરક્ષા માટે સમાન રીતે ચિંતિત છીએ.

Back to top button