બનાસકાંઠા: દાંતાના જંગલીય વિસ્તારોમાં બાળકો દ્વારા કરાયું સીડબોલ પ્લાન્ટેશન
પાલનપુર: સતત ઘટી રહેલ હરિયાળીના કારણે આખી પૃથ્વી ગ્લોબલ વૉર્મિંગનો સામનો કરી રહી છે, અને તેનું સમાધાન લાવવાનો એકમાત્ર રસ્તો વૃક્ષારોપણ જ છે. વૃક્ષોથી હવામાં ઑક્સિજનનું પ્રમાણ તો વધે જ છે, સાથે-સાથે વૃક્ષો વરસાદ પણ ખેંચી લાવે છે અને વાતાવરણમાંથી ગરમી ઘટાડવામાં પણ મહત્વનો રોલ અદા કરે છે. પરંતુ દરેક જગ્યાએ રોપા વાવવા જવું શક્ય નથી બનતું ત્યાં સીડબૉલ ખૂબજ ઉપયોગી નીવડે છે. સરળતાથી ઊગી નીકળતાં દેશી કુળનાં ઝાડ-છોડનાં બીજમાંથી સીડબૉલ બનાવી ખુલ્લી જગ્યાઓ પર ચોમાસા દરમિયાન નાખવામાં આવે તો, તેના પર વરસાદ પડતાં તેમાંથી અંકૂર ફૂટી નીકળે છે અને ઝાડ-છોડ ઊગી નીકળે છે.
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સ્કાઉટના બાળકો દ્વારા કરાયું આયોજન
ચોમાસા દરમિયાન આ સીડબૉલ નાખવાથી ત્યાં નિયમિત પાણી પાવા જવાની પણ જરૂર નથી પડતી, વરસાદના પાણીથી જ તેનો વિકાસ થઈ જાય છે. આવા શુભવિચાર સાથે પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા બનાસ ડેરીના સહયોગથી તૈયાર કરાયેલ સીડબોલના પ્લાન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક સ્કાઉટ-ગાઇડના બાળકો દ્વારા દાંતા વિસ્તારના આસપાસના ગામોમાં આ સીડબોલનુ પ્લાન્ટેશન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં સ્કાઉટ ગાઇડના માસ્ટર કોચ જીતુભાઇ પટેલની આગેવાની હેઠળ આ બાળકો દાંતાના જંગલીય વિસ્તારોમાં જઇ સીડબોલ પ્લાન્ટેશન કર્યુ હતું.
સ્કાઉટના બાળકોમાં પણ સાહસીય કામ અને સમાજસેવાના કામની પણ પ્રેરણા મળે એવા વિચાર સાથે આયોજીત આ કાર્યક્રમનુ આયોજન આચાર્ય મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત દ્વારા કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો : કાનાણીએ પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું?