ગુજરાતમાં 24 કલાકમાં 161 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ
- બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક
- કડાણા, ખેરગામ, વઘઈ, કપડવંજમાં 1.2 ઈંચ મેઘમહેર
- મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી ઝાપટા અને ઝરમર વરસાદ પડયો
ગુજરાતમાં 24 કલાકમાં 161 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે બાલાસિનોરમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 1.5 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ મોરવા હડફ અને વિરપુરમાં 1.3 ઈંચ સાથે કડાણા, ખેરગામ, વઘઈ, કપડવંજમાં 1.2 ઈંચ મેઘમહેર થઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની જાણો શું આગાહી કરી
કપરાડા, માલપુર, શહેરા, મહુધામાં 1 ઈંચ વરસાદ આવ્યો
કપરાડા, માલપુર, શહેરા, મહુધામાં 1 ઈંચ વરસાદ આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. દાંતીવાડા, ડીસા, દાંતામાં ત્રણ ત્રણ ઈંચ જ્યારે દિયોદર અમીરગઢ પાલનપુર સહિતના વિસ્તારમાં 1 થી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતા તાલુકામાં 94.99 ટકા જ્યારે સૌથી ઓછો વરસાદ કાંકરેજ તાલુકામાં 43.23 ટકા નોંધાયો છે. જિલ્લાના મોટાભાગના તાલુકામાં 50% થી વધુ વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે.
આ પણ વાંચો: સુરતમાં તથ્ય પટેલે કરેલા ઇસ્કોન બ્રિજ અકસ્માત જેવી ભયંકર ઘટના બની
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ હળવાથી સામાન્ય વરસાદ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ હળવાથી સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેમાં જૂનાગઢના મેંદરડામાં દિવસ દરમિયાન ઝાપટા સાથે એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્ય જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેર અને ભેંસાણમાં હળવા ઝાપટાં, માળિયા હાટીના અને વિસાવદરમાં અડધો ઈંચ, મેંદરડામાં દિવસ દરમિયાન 1 ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં અડધો ઈંચ, કોડીનારમાં ઝરમર, જામનગરના જોડિયા અને લાલપુર ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં હળવા ઝાપટા પડયા હતા.
અમરેલીના સાવરકુંડલા અને ધારી, કુંકાવાવ વડીયામાં પણ વરસાદ વરસ્યો
અમરેલીના સાવરકુંડલા અને ધારી, કુંકાવાવ વડીયામાં પણ વરસાદ વરસ્યો હતો. તો મોરબીના હળવદમાં પણ ધીમી ધારે વરસાદ પડયો હતો. જયારે રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ છે. રવિવારે સવારથી જ મોડાસા તેમજ આસપાસના પંથકમાં સતત ઝરમરીયો વરસાદ ચાલુ રહ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાં પણ થયાં હતા. રવિવારે દિવસ દરમિયાન સૌથી વધુ એક ઈંચ વરસાદ માલપુર પંથકમાં નોંધાયો હતો. જ્યારે બાયડ અને મોડાસામાં પણ દિવસ દરમિયાન અડધો ઈંચ કરતાં વધુ વરસાદ થયો હતો.
મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી ઝાપટા અને ઝરમર વરસાદ પડયો
મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી ઝાપટા અને ઝરમર વરસાદ પડયો હતો. જિલ્લામાં સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા દરમિયાન સતલાસણામાં સૌથી વધારે 20 મી.મી., વિજાપુર 4, કડી,ખેરાલુ અને વડનગરમાં 2 મી.મી.વરસાદ પડયો હતો. ખેડા જિલ્લામાં રવિવારે બપોરે પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છુટા છવાયા વરસાદી ઝાપટાં પડયા હતા. યાત્રાધામ ડાકોરમાં મંદિરમાં ઉત્થાપન આરતીના અરસામાં ધોધમાર વરસાદ તૂટી પડતા દર્શનાર્થે આવેલા ભકતો ભીંજાઇ ગયા હતા.