- જૂનાગઢમાં4 મહિનાની બાળકી ગુમ
- માતાએ ઊંઘમાં જ બાળકીને નદીમાં ફેકી દીધી
- માસૂમની હત્યાનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઇ
જૂનાગઢમાં એક માતાએ ક્રુરતાની હદ વટાવી દીધી હોવાનું સામે આવ્યું છે. મોટાભાગે પરણિત મહિલાઓને સાસરિવાળા ત્રાસ આપતા હોવાનું સામે આવતું હોય છે. જેમાં ઘણી મહિલાઓ સાસરિવાળાના ત્રાસથી કંટાળી ન કરવાનું કરી લેતી હોય છે. ત્યારે આવું જ કંઈક જૂનાગઢમાંથી સામે આવ્યું છે. જેમાં એક મહિલાએ સાસરિવાળા અને પતિના મહેણા ટોળાથી કંટાળીને પોતાની 4 મહિનાની દિકરીને ઉંઘમાં જ નદીમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે.
ચાર મહિનાની બાળકી ઘરેથી ગુમ
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,જૂનાગઢ જિલ્લાના માતરવાણીયા ગામના હિરેન નાથાભાઈ પરમારના લગ્ન અઢી વર્ષ પહેલાં વેરાવળના મીઠાપુર ગામની કિર્તન ઉર્ફે કિર્તી ડોડીયા સાથે થયા હતા. ચારેક મહિના અગાઉ કિર્તી ડોડીયાએ બાળકીને જન્મ આપ્યો હતો.જેનું નામ પ્રિષા રાખવામાં આવ્યું હતું. કિર્તી ડોડીયાએ તેના પતિ હિરેન પરમારને જગાડીને પૂછ્યું હતું કે, પ્રિષા ઘોડિયામાં નથી, એને તમે રમાડવા લીધી છે. હિરેન પરમારે ના પાડતા ઘરના અન્ય સભ્યોને જાણ કરી હતી. જોકે, પ્રિષા ક્યાંય મળી નહોતી.ચાર મહિનાની માસૂમ બાળકી પોતાના ઘરેથી ગુમ થયા બાદ અડધો કિલોમીટર દૂર આવેલી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : દિલ્હીમાં મોહર્રમના જુલૂસ દરમિયાન હિંસા, ટોળાએ પથ્થરમારો કરતા 12 લોકોને ઈજા
નદીમાંથી મૃતદેહ મળ્યો
ચાર મહિનાની બાળકી 6 વાગ્યાના અરસામાં ગુમ થઈ જતા માતા-પિતા અને પાડોશીઓએ આસપાસના ખેતરોમાં તપાસ હાથ ધરી હતી પરંતુ, પ્રિષા નામની બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.ગામલોકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ ગામમાં પહોંચી હતી.જે સ્થળ પરથી બાળકી ગુમ થઈ હતી. ત્યાંથી ડોગ સ્કવોર્ડ તપાસ હાથ ધરતા ડોગ ઘરથી 400 મીટર દૂર આવેલી નદી પાસે જઈને અટક્યો હતો. તેની સાથે પોલીસની ટીમ અને ગ્રામજનો પણ ત્યાં પહોંચતા નદીના કાંઠા પર પાણીમાં પડેલો પ્રિષાનો મૃતદેહ જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. જે બાદ પોલીસની ટીમ દ્વારા બાળકીના મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા મૃતક બાળકીના શરીર પરથી કોઈ ઈજાના નિશાન પણ મળ્યા નહોતા જેથી પોલીસને આ કેસ ઉકેલવો લોઢાના ચણા ચાવવા બરાબર હતો. જેથી પોલીસે મોતનું રહસ્ય FSLની મદદ લીધી હતી અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. પ્રિષા માતા-પિતાનું એકનું એક સંતાન હતું જેથી પોલીસને એમના પર પણ શંકા નહોતી.
પોલીસે પૂછપરછ કરતા કિર્તી ભાંગી પડી
પોલીસે પરિવારજનોની પણ પુછપરછ કરી હતી,પરંતુ ખાસ કંઇ ક્લુ મળ્યો નહોતો. જોકે,પોલીસને થોડી થોડી પ્રિષાની માતા એટલે કે કિર્તી ડોડીયા પર શંકા હતી. જેથી પોલીસે કિર્તીની આગવી ઢબે પુછપરછ કરતાં કિર્તી ભાંગી પડી હતી અને પોતાની માસૂમ બાળકીની એણે જ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જોકે, બાળકીની હત્યા કરવાનું કારણ કિર્તીએ જે પોલીસને આપ્યું એ ખુબ જ ચોંકાનારુ હતું. કબુલાત કરતાં કિર્તીએ જણાવ્યું હતું કે, દીકરીનો જન્મ થયો ત્યારથી મારા પતિ તથા સાસુ-સસરા કહેતા હતા કે તને છોકરીની સાળ સંભાળ લેતા આવડતું નથી. છોકરા સાચવતાં ન આવડતું હોય તો પેદા કેમ કરો છો? તેમ કહેતાં મને લાગી આવ્યું હતું. આ ઉપરાંત પ્રિષાનો દવાનો નાનો-મોટો જે ખર્ચ થતો તે અંગે પણ મને વારંવાર સંભળાવતા હતા. જેથી મને થયું કે, મારી દીકરી હજુ તો ચાર મહિનાની છે અને આ લોકો આવો વ્યવ્હાર કરે છે. તો મોટી થશે ત્યારે શું નહીં કરે? મારા મગજમાં આની આ વાત ફરતી હતી. જેથી મે પ્રિષાને ઉંઘમાં જ ઘોડિયામાંથી લઇ જઇને નજીકની નદી (પાણીનો નાનો વોકળો)માં નાંથી દીધી હતી. આ અંગે હાલ પોલીસે કિર્તીના પતિ હિરેનની ફરિયાદના આધારે હત્યારી માતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ‘રોકી અને રાનીની લવસ્ટોરી’માં આલિયા અને રણવીરની જોડીએ લોકોના જીત્યા દિલ