ગુજરાત

રાજકોટ: પત્ની સાથે છળકપટ અને વિશ્વાસઘાત કરનાર ભરણપોષણ ન ચૂકવનારા પતિને સજા

Text To Speech
  • ભરણપોષણ ન ચૂકવનારા પતિને 720 દિવસની સજા હાઈકોર્ટે યથાવત્ રાખી
  • વિશ્વાસઘાત કરી છૂટાછેડાના દસ્તાવેજો પર પત્નીની સહી લીધી
  • કેદની સજાના હુકમને પડકારતી તુષાર જોગીની અરજી હાઈકોર્ટે ફગાવી

પત્ની સાથે છળકપટ અને વિશ્વાસઘાત કરી છૂટાછેડાના કાગળોમાં સહી લઇ પત્ની અને આઠ દિવસની પોતાની પુત્રીને નિરાધાર બનાવી દયનીય પરિસ્થિતિમાં મૂકનાર તેમ જ પત્નીને ભરણપોષણની રકમ ન ચૂકવતાં ફેમિલી કોર્ટે ફટકારેલી 720 દિવસની કેદની સજાના હુકમને પડકારતી અરજદાર પતિ તુષાર ભગવાનદાસ જોગી તરફ્થી કરાયેલી કવોશીંગ રિવીઝન અરજી ગુજરાત હાઇકોર્ટે ફ્ગાવી દીધી છે. જસ્ટિસ ગીતા ગોપીએ હુકમમાં નોંધ્યુ કે, અરજદાર પતિની હાલની અરજી ટકી શકે તેમ જ નથી. હાઇકોર્ટે આ અંગે અગાઉ તા.16-1-2023 અને તા.30-6-2023ના રોજ જારી કરેલા હુકમનું પાલન કરવા આદેશ કર્યો હતો. સાથે સાથે અન્ય પડતર સંબંધિત અરજીઓનો પણ નિકાલ કર્યો હતો.

કવોશીંગ રિવીઝન અરજી ગુજરાત હાઇકોર્ટે ફ્ગાવી દીધી

રાજકોટના જેતપુર ખાતે રહેતાં અરજદાર પતિ તુષાર ભગવાનદાસ જોગી દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી કવોશીંગ રિવીઝન અરજીનો વિરોધ કરતાં પત્નીના વકીલએ રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, સીઆરપીસીની કલમ-125(3) મુજબ, ફરિયાદી પત્નીને ભરણપોષણની બાકી રકમ એક મહિનાના રૂ.દસ હજાર લેખે તા.10-5-2019થી તા.9-5-2021 સુધીના કુલ 24 મહિનાના રૂ.2,40,000 લેવાની બાકી નીકળતા હતા, જે અરજદાર પતિએ નહી ચૂકવતાં અમદાવાદની ફેમીલી કોર્ટે તા.3-1-2022ના રોજ જેતપુરના રહેવાસી આરોપી પતિ તુષાર ભગવાનદાસ જોગીને 24 મહિનાની ભરણપોષણની રકમ નહી ભરવા બદલ એક મહિનાના કસૂર બદલ 30 દિવસની કેદ એમ 24 મહિનાના કસૂર પ્રમાણે 720 દિવસની કેદની સજાનો હુકમ કર્યો હતો. કવોશીંગ રિવીઝન અરજીમાં સમંતિપૂર્વકના છૂટાછેડા થઇ ગયા છે અને 2014માં સમાધાનમાં નક્કી થયા મુજબ રકમ ચૂકવી દેવાઇ છે તેવો જે આધાર લેવાયો છે તે બિલકુલ ખોટો અને અદાલતને ગેરમાર્ગે દોરનારો છે.

Back to top button