- આજે દેશભરમાં શોકના જુલૂસ કાઢવામાં આવ્યા
- શોકના જુલૂસ વચ્ચે ઝારખંડના બોકારોમાં મોટી દુર્ઘટના
- તાજિયા જુલૂસ હાઈ ટેન્શન વાયરની પકડમાં આવી જતાં બ્લાસ્ટ
આજે દેશભરમાં મુસ્લિમ બિરાદરો મોહરમનો તહેવાર મનાવી રહ્યાં છે.મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. મુસ્લિમો માટે આ સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે. આ માસને વેદનાના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી મોહરમ પર આજે દેશભરમાં શોકના જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે. જો કે,આ જુલૂસ દરમિયાન આજે ઝારખંડના બોકારોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં બોકારોમાં મોહરમ પર કાઢવામાં આવી રહેલા તાજિયા જુલૂસ હાઈ ટેન્શન વાયરની પકડમાં આવી જતાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. વીજળીના ઝટકાથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકોની હાલત ગંભીર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસાદ પડશે કે નહીં ?
એમ્બ્યૂલન્સની ગેરહાજરીના કારણે હોબાળો
મહત્વનું છે કે,તાજિયા ઉપાડતી વખતે ઉપરથી પસાર થતી 11,000 હાઈટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગઈ હતી.જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરી બ્લાસ્ટ થઈ હતી. લોકોએ તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને ડીવીસી બોકારો થર્મલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. સાથે જ એમ્બ્યૂલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થાને લઈને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.જોકે, બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બોકારો મોકલવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે સવારે લગભગ 6 વાગ્યે બોકારોના બર્મો વિસ્તારના ખટકોમાં બની હતી. અકસ્માતના પગલે થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ઇસ્લામ ધર્મના શિયા સમુદાયના લોકો તાજિયા કાઢે છે
આશૂરાના દિવસે ઇસ્લામ ધર્મના શિયા સમુદાયના લોકો તાજિયા કાઢે છે. તાજીયા કાઢીને માતમ મનાવવામાં આવે છે. જે જગ્યાએ હઝરત ઇમામ હુસૈનની કબર બનેલી છે ત્યાં એક જ પ્રકારના તાજિયા બનાવીને જુલુસ કાઢવામાં આવે છે. આ શોભાયાત્રામાં લોકો શોક વ્યક્ત કરે છે. સરઘસમાં ભાગ લેનારાઓ કાળા વસ્ત્રો પહેરે છે. શોક મનાવતી વખતે લોકો કહે છે કે યા હુસૈન, હમ ન હુએ. એનો અર્થ એ થયો કે હઝરત ઈમામ હુસૈન, અમે બધા દુઃખી છીએ. કરબલાની લડાઈમાં અમે તમારી સાથે નહોતા, નહીંતર અમે પણ ઇસ્લામની રક્ષા માટે અમારા પ્રાણની આહુતિ આપી દીધી હોત.
આ પણ વાંચો : રાજ્યમાં 31 કોચિંગ ક્લાસીસ ઉપર GST વિભાગે બોલાવી તવાઈ, આટલા બેનામી વ્યવહારો ઝડપાયા