ઇન્ટરનેશનલ ડેસ્કઃ જર્મનીમાં ચાલી રહેલી G7 શિખર સંમેલનનું સ્થળ શ્લોસ એલમાઉ ભારત સાથે ખૂબ જ વિશિષ્ટ જોડાણ ધરાવે છે. G7એ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સનું આંતર-સરકારી રાજકીય જૂથ છે. તેને વિશ્વના સૌથી ધનિક દેશોનો સમૂહ પણ કહેવામાં આવે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્લોસ એલમાઉ પર ભારતીય પ્રભાવ તેના માલિક ડાયટમાર મુલરને આભારી છે, જેઓ તેમની યુવાનીમાં ભારતમાં રહેતા હતા અને સખાવતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તેમણે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ રોકાણ કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, એક રેસ્ટોરન્ટનું નામ પણ ભગવાન ગણેશના નામ પર રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આનંદ સ્પા રેસ્ટોરન્ટ, જીવમુક્તિ યોગ સ્ટુડિયો અને શાંતિગીરી સ્પા સહિત ભારતીય નામો સાથે અનેક યોગ અને વેલનેસ કેન્દ્રો છે. મુલરે ભારત સાથેના તેમના ગાઢ સંબંધો વિશે વાત કરતાં કહ્યું કે, ‘ત્યાં વ્યક્તિગત સ્વતંત્રતા ખૂબ જ સ્પષ્ટ છે.’
અહીંની હોટેલ 1914 અને 1916 વચ્ચે બિલ્ડર જોહાન્સ મુલર દ્વારા બનાવવામાં આવી હતી. જેનો તેના પર ઘણો પ્રભાવ હતો. હોટેલનું મુખ્ય માળખું Hideaway, 115 રૂમ અને સ્યુટ્સ ધરાવે છે. શ્લોસ એલમાઉ આખા વર્ષ દરમિયાન ઘણા સંગીત ઉત્સવોનું આયોજન કરે છે અને જર્મની અને અન્ય યુરોપીયન દેશોમાંથી ભારતીય શાસ્ત્રીય સંગીતના ચાહકો ભારતીય કલાકારોના સંગીતનો આનંદ માણવા શ્લોસ એલમાઉની મુલાકાત લે છે.