સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સમાં PM મોદીએ કરી મોટી જાહેરાત
- સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકાર કરશે 50 ટકા મદદ.
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત પર વિશ્વનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. ભારત ઉપર ઉદ્યોગ જગતને વિશ્વાસ એટલા માટે છે કે આજે દરેક ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકાસ કરી રહ્યું છે.
50 ટકા નાણાકીય સહાય આપવાની કરી જાહેરાત:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઈન્ડિયા 2023 પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા માટે ટેક કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપવામાં આવશે.
ગાંધીનગરમાં ‘સેમિકોન ઈન્ડિયા 2023’ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટે સંપૂર્ણ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. આજે તેની જાહેરાત કરતા તેમણે કહ્યું કે સરકારે સેમિકન્ડક્ટર ઉદ્યોગોને તમામ પ્રકારની સુવિધાઓ આપી છે. વડાપ્રધાને કહ્યું, “અમે સેમિકોન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ પ્રોત્સાહનો ઓફર કરી રહ્યા હતા. હવે તેને લંબાવવામાં આવ્યું છે, અને હવે ટેક્નોલોજી કંપનીઓને ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા માટે 50 ટકા નાણાકીય સહાય મળશે.
સેમિકન્ડક્ટર ડિઝાઇન પર અભ્યાસક્રમો શરૂ કરવા માટે ભારતમાં 300 શાળાઓની પસંદગી:
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઝડપથી વિકાસ પામશે. “એક વર્ષ પહેલા, લોકો પૂછતા હતા કે તેઓએ ભારતના સેમિકન્ડક્ટર સેક્ટરમાં શા માટે રોકાણ કરવું જોઈએ, અને હવે તેઓ પૂછે છે કે ભારતમાં રોકાણ કેમ ન કરવું,”. તેમણે કહ્યું કે વિશ્વને એક વિશ્વસનીય ચિપ સપ્લાય કરનાર ચેઇનની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે સેમિકન્ડક્ટર ડિઝાઇન પર કોર્સ શરૂ કરવા માટે ભારતમાં 300 સ્કૂલોને પસંદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વિશ્વમાં થયેલી દરેક ઔદ્યોગિક ક્રાંતિ વિવિધ સમયે લોકોની આકાંક્ષાઓથી પ્રેરિત હતી અને તેઓ માને છે કે હવે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જોવા મળી રહી છે તે ભારતની આકાંક્ષાઓથી પ્રેરિત છે.
ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન $100 બિલિયનને પાર – PM મોદી
સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ભારતના ડિજિટલ સેક્ટર અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ઝડપી વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. થોડા વર્ષો પહેલા ભારત આ ક્ષેત્રમાં ઉભરતું ખેલાડી હતું અને આજે વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં આપણો હિસ્સો અનેકગણો વધી ગયો છે. તેમણે કહ્યું કે 2014માં ભારતનું ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન $30 બિલિયનથી ઓછું હતું. જ્યારે આજે તે 100 અબજ ડોલરને પાર કરી ગયો છે. ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ માત્ર 2 વર્ષમાં બમણી થઈ ગઈ છે.
મોબાઈલ નિકાસ બમણી થઈ: PM મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારતમાં ઉત્પાદિત મોબાઈલ ફોનની નિકાસ બમણી થઈ ગઈ છે. જે દેશ એક સમયે મોબાઈલ ફોનની આયાત કારતો હતો તે આજે વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યો છે. તે જ સમયે, માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘સેમિકોન ઈન્ડિયા 2023’ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે આજે અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં સેમિકન્ડક્ટરની જરૂર છે. મંત્રીએ કહ્યું કે દર વર્ષે ઈલેક્ટ્રોનિક્સની માંગ વધી રહી છે.
આ પણ વાંચો: 2019થી 2021 સુધીમાં દેશભરમાંથી 10 લાખથી વધુ મહિલાઓ ગુમ: NCRB