SBI રિસર્ચે તેના ‘Ecowrap’ રિપોર્ટમાં જણાવ્યું છે કે જો ભારત તેનો વર્તમાન વિકાસ દર જાળવી રાખે છે, તો તે 2027 (2027-2028)માં જાપાન અને જર્મની જેવા દેશોને પાછળ છોડી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. અગાઉ SBI રિસર્ચએ આશા વ્યક્ત કરી હતી કે ભારતીય અર્થવ્યવસ્થા 2029 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
શું છે રિપોર્ટમાં દાવો ?
રિપોર્ટ અનુસાર, 2022-2027 વચ્ચે ભારતનો વિકાસ ઓસ્ટ્રેલિયાના 1.8 ટ્રિલિયન યુએસ ડોલરના અર્થતંત્રના વર્તમાન કદને વટાવી જવાની ધારણા છે. આ દરે, ભારત દર બે વર્ષે તેની અર્થવ્યવસ્થામાં $0.75 બિલિયન ઉમેરી શકે છે, જેનો અર્થ છે કે ભારત 2047 સુધીમાં $20 ટ્રિલિયન અર્થતંત્ર બનવા માટે તૈયાર છે, એમ અહેવાલમાં જણાવાયું છે. 2027 સુધીમાં વૈશ્વિક જીડીપીમાં ભારતનું યોગદાન ચાર ટકાથી વધી જશે. વૈશ્વિક સ્તરે જીડીપીમાં ભારતનો હિસ્સો હાલમાં 3.5 ટકા છે, જે 2014માં 2.6 ટકા હતો અને 2027માં તે ચાર ટકા સુધી પહોંચવાની ધારણા છે.
મહારાષ્ટ્ર અને યુપી અર્થતંત્રની દ્રષ્ટિએ USD 500 બિલિયનના આંકને પાર કરશે
SBI રિસર્ચએ જણાવ્યું હતું કે અંદાજો દર્શાવે છે કે જ્યાં સુધી ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ત્રીજું સ્થાન મેળવશે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા બે ભારતીય રાજ્યો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ અર્થતંત્રની દ્રષ્ટિએ USD 500 બિલિયનના આંકને પાર કરશે. ‘Ecowrap’ રિપોર્ટ અનુસાર, “2027માં મોટા ભારતીય રાજ્યોનું GDP કદ વિયેતનામ, નોર્વે જેવા કેટલાક એશિયન અને યુરોપિયન દેશોના કદ કરતાં વધી જશે”.