બનાસકાંઠા: ભોયણ તળાવમાંથી રેતી ચોરી, લોકોએ હિટાચી મશીન અને ટ્રક ઝડપી કર્યું તંત્રના હવાલે
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ડીસા પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલા બે ડમ્પર ઝડપાયા બાદ આજે ભોયણ ગામે પણ ગેરકાયદેસર ખનનની ઘટના સામે આવી છે. જેમાં ગામના જાગૃત લોકોએ તળાવમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતા એક હિટાચી મશીન અને ટ્રકને ઝડપી તંત્રના હવાલે કર્યું હતું.
અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી
ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનનની ફરિયાદો ખૂબ જ ઉઠી છે, જેને લઇ જિલ્લા ખાણ ખનીજ વિભાગે પણ બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે કમર કસી છે. ગઈકાલે ડીસાના આસેડા ગામ પાસેથી ગેરકાયદેસર રેતી ભરીને જઇ રહેલા બે ડમ્પર ઝડપાયા બાદ આજે વહેલી સવારે ભોયણ ગામના જાગૃત લોકોએ તળાવમાંથી ઘેર કાયદેસર રીતે થઈ રહેલી રેતીની ચોરી ઝડપી પાડી હતી અને ખનીજ માફિયાઓ તળાવમાંથી હિટાચી મશીન વડે માટીની ચોરી કરી જતા ગ્રામજનોએ અટકાવી આ ઘટના અંગે તંત્રને જાણ કરી હતી.
બનાવને પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર ડો. કિશનદાન ગઢવી અને પોલીસની ટીમ ભોયણ ગામે તળાવ પર પહોંચી હતી અને હિટાચી મશીન અને ટ્રક ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ગામના જાગૃત આગેવાનોએ જણાવ્યું હતું કે, ભોયણ ગામમાં તળાવમાંથી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતીની તસ્કરી થઈ રહી હતી. જેથી ગ્રામજનોએ આજે વહેલી સવારે હિટાચી મશીનથી રેતી ભરીને જઈ રહેલા ડમ્પરોને અટકાવવાનો પ્રયાસ કરતા કેટલાક ડમ્પર ચાલકોએ લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં એક હિટાચી મશીન અને ડમ્પરને પકડી તંત્રને જાણ કરતા અધિકારીઓની ટીમ ઘટના સ્થળે આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં મણીપુરની ઘટના સંદર્ભે આદિવાસી સમાજે આવેદનપત્ર આપ્યું