બનાસકાંઠા: સિકરથી વડાપ્રધાને ડીસા સહિત દેશમાં 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કર્યા
પાલનપુર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના સિકર ખાતેથી ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત દેશમાં 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુરિયા ગોલ્ડ- સલ્ફર કોટેડ યુરિયાનો શુભારંભ કરાવી પીએમ કિસાન યોજના હેઠળ દેશના 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 14 મી વખત રૂ. 17,500 કરોડ DBT ના માધ્યમથી ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્યશ્રી પ્રવિણભાઇ માળીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિક મુખ્ય સચિવ અને GNFC ના એમ. ડી. પંકજ જોષી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીરોની ભૂમિ રાજસ્થાનની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, દેશમાં પીએમ કિસાન યોજના હેઠળ દેશના 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ.17,500 કરોડ DBT ના માધ્યમથી ટ્રાન્સફર કરાવામાં આવ્યા છે અને 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ નક્કી કરશે. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પરથી ખેડૂતોને વિવિધ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહેશે તથા આ કેન્દ્રો ખેડૂતોને સરકારી યોજનાની જાણકારી પણ આપશે. તેમણે કહ્યું કે, જેમ બહેનોને કંઇ ન ખરીદવું હોય તો પણ સાડીની દુકાનની મુલાકાતો લે છે તેવી જ રીતે ખેડૂતોએ પણ કંઈ ન ખરીદવું હોય તો પણ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની મુલાકાત લેવી જોઈએ.
વડાપ્રધાનએ યુરિયા ગોલ્ડ- સલ્ફર કોટેડ યુરિયાનો શુભારંભ કરાવ્યો
વડાપ્રધાનએ જણાવ્યું કે, આપણા દેશના ખેડૂતો માટીમાંથી સોનુ પકવે છે. તેમને મદદ કરવા માટે આઝાદીના 75 વર્ષ પછી ખેડૂતોના દુ:ખ, દર્દ સમજવાવાળી સરકાર આવી છે. પીએમ કિસાન યોજના હેઠળ આજદિન સુધી 2,60,000 કરોડ રૂપિયા દેશના ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ખેડુતોને સસ્તા ભાવે યુરિયા ખાતર મળે એ માટે સરકાર કરોડો રૂપિયાની સબસીડી આપે છે એટલે દુનિયામાં સૌથી સસ્તુ યુરિયા ભારતના ખેડૂતોને એક બોરી 266 મળે છે. જયારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન વગેરે દેશોમાં યુરિયા રૂ. 300 થી 900 ની કિંમતે મળે છે અને અમેરિકામાં એ જ યુરિયાની બોરી રૂ. 3000 માં મળે છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની મુહિમના લીધે દેશ અને દુનિયામાં જાડા અનાજની માંગ વધી રહી છે.
ડીસા માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ ડીસા અને બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને બિરદવાતા જણાવ્યું કે, આ જિલ્લાના ખેડુતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાકલને ઝીલી લઇ સૌપ્રથમ ડ્રીપ અને સ્પ્રીક્લર પધ્ધતિ અપનાવી છે. જેના લીધે ખેતીમાં પાણીની બચત થાય છે. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે, બટાકાનું હબ ગણાતા ડીસાના બટાકાની આજે ૫૬ દેશોમાં નિકાસ થાય છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું આહવાન કરતા કહ્યું કે, ખેડુતો ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી વડે ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે. ખેડુતો પ્રાકૃતિક ખેતી પેદાશોના વેચાણ માટે પોતાની એફ.પી.ઓ. કંપની બનાવીને વિવિધ પ્રોડક્ટ બનાવીને પણ વેચી શકે છે. જેનાથી ખેતી પાકોની ખુબ સારી આવક મેળવી શકાશે.
GNFC ના એમ. ડી. પંકજ જોષી સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતી
અધિક મુખ્ય સચિવ અને GNFC ના એમ. ડી. પંકજ જોષીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનને સાકાર કરવા માટે દેશભરમાં ૩.૨૫ લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન છે. જે પૈકી આજે વડાપ્રધાનએ દેશમાં 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો છે. તેમણે કહ્યું કે, ડીસા ખાતે શરૂ કરવામાં આવેલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાં ખાતર, બિયારણ, દવાઓ સહિત જમીનની ચકાસણી અંગેના કાર્યો કરવામાં આવશે. જ્યારે ગુજરાતના ખેડૂતોને ખાતરની અછત ન પડે તે માટે GNFC દ્વારા ૬.૫૦ લાખ મેટ્રીક ટન યુરિયા ખાતરનું ઉત્પાદન કરીને ૭૫ ટકા ખાતર ગુજરાતના ખેડુતોને પુરૂ પાડવામાં આવે છે.તેમ તેમણે ઉમેર્યુ હતું. તેમને એમ પણ કહ્યું કે, યુરિયા ખાતર બોરીની જગ્યાએ હવે નેનો યુરિયાનો વિકલ્પ આવી ગયો છે ત્યારે ખેડુતો આ ખાતરનો ઉપયોગ કરી શકે છે. તેમણે કહ્યું કે, ખેડુતોને સરળતાથી ખાતર ઉપલબ્ધ થાય તે માટે નીમ કોટેડ યુરિયા બાદ આજથી સલ્ફર કોટેડ યુરિયાની શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: શ્રી લોહાણા મહાપરિષદની પ્રેરણાથી થરા જલારામ મંદિરના પ્રાંગણમાં કરાયા 154 છોડ રોપણ