બનાસકાંઠા: જિલ્લાની 19 નર્સરીઓમાં 66 લાખ જેટલાં રોપાઓ ઉછેરાયા

પાલનપુર: લીલાછમ્મ વૃક્ષો ધરતીની શોભા અને શણગાર છે. વૃક્ષો માણસ જીવનથી લઇ મૃત્યુ સુધી વિવિધ રીતે સંકળાયેલા છે ત્યારે દરેક વ્યક્તિ વૃક્ષોનું મહત્વ સમજી વૃક્ષો વાવે તે સમયની માંગ છે. એક વૃક્ષ માણસની આખી જિંદગીને ઉપયોગી નિવડે છે અને તેને કાપ્યા પછી તેના લાકડાં પણ વિવિધ કામમાં ઉપયોગમાં આવે છે. વૃક્ષો ઔષધિ આપે છે એટલે કે વૃક્ષ એક દવાખાનાની ગરજ સારે છે. વૃક્ષ ફળ સ્વરૂપે ખોરાક આપે છે એટલે એક સદાવ્રત સમાન છે. વૃક્ષ ઓક્સિજન આપે છે એટલે કે વૃક્ષ ઓક્સિજનની ફેક્ટરી સમાન છે. તે ઉપરાંત વૃક્ષો ફળ અને ફૂલોથી વાતાવરણને સુગંધિત બનાવે છે અને તેના પાંદડાં કુદરતી ખાતર આપે છે. આમ વૃક્ષ થકી આપણે જીવનમાં ઘણું બધું પામી શકીએ છીએ. કોઇપણ માણસ વૃક્ષો વાવીને દેશ સેવાનું મોટું કામ કરી શકે છે.
ચાર નમો વડ વન અને મીયાવાકી પધ્ધતિથી ત્રણ જગ્યાએ વન કવચ મોડેલ તૈયાર
બનાસકાંઠા જિલ્લાને લીલોછમ્મ- હરીયાળો બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘના સીધા માર્ગદર્શન હેઠળ પવિત્ર ઉપવન, પંચવટી, અર્બન ફોરેસ્ટ, વન કવચ જેવા મોડેલ થકી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી પર્યાવરણની સમૃધ્ધિ વધારવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ કુલ- 19 ખાતાકીય નર્સરીઓમાં 65.95 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જંગલ વિસ્તારની બહારના વિસ્તારમાં તેમજ ગામોમાં જ્યાં સમતલ વિસ્તારમાં ગૌચર, સરકારી ખરાબો અને સિંચાઇની સગવડ છે તેવા સ્થળોએ વનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ખેડૂત લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ તળે વાવેતર તેમજ સહાય ચુકવવામાં આવે છે. વર્ષ- 2023-24 માં એસ મોડલ (પટ્ટી વાવેતર), ગ્રામ વન (પિયત અને બિન પિયત), હરીયાળા ગામ, ઇ- પર્યાવરણ મળી કુલ- 165 હેક્ટર વિસ્તારમાં ખાતાકીય વાવેતર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે વ્યક્તિલક્ષી યોજનાઓ હેઠળ એફ.એફ/ આર.ડી.એફ.એલ, વૃક્ષ ખેતી અને વ્યક્તિલક્ષી વાવેતર મળી કુલ- 915 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નમો વડ વિકસાવવાની કામગીરી અંતર્ગત જિલ્લામાં ૪ નમો વડ વિકસાવવામાં આવ્યા છે. જેમાં દાંતા તાલુકામાં અંબાજી ખાતે સ્મૃતિ વન, અમીરગઢ ખાતે રોકડીયા હનુમાનજી મંદિર, વડગામ શેંભર ગોગ મહારાજ મંદિર અને દિયોદર ઓગડનાથ મંદિર પરિસરમાં નમો વડ વન વિકસવાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં મીયાવાકી પધ્ધતિથી ૩ જગ્યાએ વન કવચ મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મીયાવાકી પધ્ધતિથી ૧૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવે છે તેમજ વન કુટીર, પાથ વે સીટીંગ અને એન્ટ્રી ગેટ વગેરે કામગીરી કરી પ્રકૃતિ પ્રેમી આહલાદક સ્થળ બનાવવામાં આવે છે. અમીરગઢ તાલુકામાં આવેલ રાજપુરીયા નર્સરીની બાજુમાં, દાંતીવાડા બનાસ બાગ અને ડીસાના મહાદેવીયા ખાતે આવા વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે.
સામાજિક વન વિભાગ દ્વારા 10 સે.મી. X 20 સે.મી. ની પોલીથીન બેગ તથા 15 સે.મી. X 25 સે.મી. ની પોલીથીનની બેગમાં ઉછેરવામાં આવેલા રોપા કોઇપણ વ્યક્તિ/ સંસ્થાએ પોતાના ઉપયોગ માટે જોઇએ તેટલા રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. 100 થી વધુ રોપા ઉછેરનાર વૃક્ષપ્રેમીને યોગ્ય માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવશે. આ ઉપરાંત 20 સે.મી. X 30 સે.મી. ની પોલીથીન બેગના રોપાનો દર રૂ. 7.5/-, 30 સે.મી. X 40 સે.મી. ની પોલીથીન બેગના રોપાનો દર રૂ. 15/- અને અન્ય મોટી પોલીથીન બેગ રોપાનો દર રૂ. 100/- નિયત કરવામાં આવેલ છે. આ ઉપરાંત બિન સરકારી સંસ્થા/ સહકારી સંસ્થાઓ/ પંચાયતો/ નગર પાલિકાઓ/ મહાનગર પાલિકાઓ વગેરેને મફત રોપા વિતરણની કામગીરી સાથે સાંકળવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા અને સમગ્ર ગુજરાતને આર્થિક રીતે પગભર બનવવા વૃક્ષોને વધારે મહત્વ આપવું પડશે. લોકોના જીવનને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવા વૃક્ષોની ભૂમિકા મહત્વની છે. બનાસકાંઠા જિલ્લો કચ્છના રણને અડીને આવેલો જિલ્લો છે ત્યારે અત્યારે ચોમાસાની ઋતુમાં શેઢે- પાળે અને ગામમાં જયાં પણ જમીન હોય ત્યાં સારા વૃક્ષો વાવી તેનું જતન કરી જિલ્લાને લીલોછમ્મ હરીયાળો બનાવીએ. આજે સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિગની સમસ્યાથી પીડાઇ રહી છે ત્યારે તેનો ઉકેલ લાવવા વૃક્ષો વાવવા એ જ આખરી ઇલાજ છે.
આ પણ વાંચો : AI ટૂલ : બોલિવૂડ અભિનેત્રીઓના Barbie અવતાર