વિજય દિવસ: સેનામાં મેજર અને કેપ્ટન રેન્કના 6,000 થી વધુ અધિકારીઓની અછત
નવી દિલ્હી: સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે સેનામાં મેજર રેન્કના 2,094 અને કેપ્ટન રેન્કના 4,734 અધિકારીઓની અછત છે. આ સિવાય આર્મી, નેવી અને એરફોર્સમાં ડોક્ટર, ડેન્ટિસ્ટ અને નર્સોની પણ અછત છે.
ભટ્ટે રાજ્યસભાના સાંસદો કુમાર કેતકર અને જેબી માથેર હિશમ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના અલગ-અલગ લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભટ્ટે જણાવ્યું કે સેનામાં મેજર અને કેપ્ટનની અછતનું કારણ કોવિડ-19 રોગચાળા દરમિયાન ઓછી ભરતી તેમજ તમામ સહાયક કેડર પ્રવેશોમાં ઓછી પ્રવેશને કારણભૂત ગણાવી શકાય, જેમાં મુખ્યત્વે શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) અને અન્ય સેવા પ્રવેશોનો સમાવેશ થાય છે.
મંત્રીએ કહ્યું કે સેનામાં સ્ટાફની અછતને દૂર કરવા માટે શોર્ટ સર્વિસ એન્ટ્રીને વધુ આકર્ષક બનાવવાનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે.
સોમવારે (24 જુલાઇ) સબમિટ કરેલા જવાબમાં તેમણે એ પણ ધ્યાન દોર્યું કે આર્મી, નેવી અને એરફોર્સમાં 630 ડોકટરો, 73 ડેન્ટિસ્ટ અને 701 નર્સોની અછત છે. તેમાંથી આર્મી પાસે સૌથી વધુ 598 ડોક્ટર, 56 ડેન્ટિસ્ટ અને 528 નર્સની અછત છે. તેની સરખામણીમાં, નેવીમાં 20 ડોકટરો, 11 ડેન્ટિસ્ટ અને 86 નર્સોની અછત છે, જ્યારે એરફોર્સમાં 12 ડોકટરો, છ ડેન્ટિસ્ટ અને 87 નર્સોની અછત છે.
મંત્રીએ એમ પણ કહ્યું કે આર્મી પાસે 1,495 પેરામેડિકલ સ્ટાફ છે, જ્યારે નેવી અને એરફોર્સમાં અનુક્રમે 392 અને 73ની અછત છે.
તેમણે કહ્યું કે કોવિડ-19ને કારણે 2021 અને 2022માં અન્ય મેડિકલ સ્ટાફની ભરતી પર પણ અસર પડી હતી. તે ઉપરાંત તેમણે કહ્યું કે, “ભવિષ્યની ભરતીઓમાં આને આવરી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,”
મંત્રીએ તેમના જવાબમાં નોંધ્યું કે ત્રણેય સેવાઓમાં ડૉક્ટર-દર્દીનો ગુણોત્તર 0.64 પ્રતિ 1,000 છે, એટલે કે 1,563 દર્દીઓ દીઠ એક ડૉક્ટર, જ્યારે નર્સ-દર્દીનો ગુણોત્તર 0.42 પ્રતિ 1,000 છે, એટલે કે 2,381 દર્દીઓ દીઠ એક નર્સ છે.
આ પણ વાંચો : મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને સ્ટમ્પ તોડવા અને અમ્પાયર સાથે દલીલની ભૂલ ભારે પડી, મળી આ સજા