મેઘાલયના ડીજીપી એલઆર બિશ્નોઈએ સોમવારે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ પર થયેલા હુમલાને લઈને મંગળવારે મોટો ખુલાસો કર્યો છે. બિશ્નોઈએ મંગળવારે કહ્યું કે, સોમવારે તુરામાં મુખ્યમંત્રી કાર્યાલય પર થયેલો હુમલો સુનિયોજિત હતો. મુખ્ય પ્રધાન કોનરાડ સંગમા પર હુમલો શારીરિક નુકસાન કરવાની યોજના હતી.
લોકોને દારૂ આપવા અને પૈસા વહેંચવાની ગજબની જાણકારી
મેઘાલયના ડીજીપી એલઆર બિશ્નોઈએ દાવો કર્યો હતો કે ટોળાની યોજના મુખ્યમંત્રીને મારવાની હતી. આ પૂર્વ આયોજિત હતું. તેમણે કહ્યું કે રવિવારે લોકોને દારૂનું વિતરણ કરવામાં આવ્યું હતું, પોલીસને કેટલીક જગ્યાએ પૈસાની વહેંચણી અંગે પણ નક્કર માહિતી મળી છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. મંગળવારે તુરામાં સંપૂર્ણ શાંતિ હતી, ક્યાંયથી કોઈ ખલેલના સમાચાર મળ્યા નથી.
BJP ના 2 મહિલા સદસ્ય સહિત 18 ની ધરપકડ
મેઘાલયના પશ્ચિમ તુરા શહેરમાં મુખ્યમંત્રી કાર્યાલય પર થયેલા હુમલાના સંબંધમાં પોલીસે 18 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ભાજપના બે મહિલા પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી કાર્યાલય પર થયેલા હુમલામાં પાંચ પોલીસકર્મી ઘાયલ થયા છે. TMCના બે નેતાઓ પર મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલા માટે ઉશ્કેરવાનો આરોપ છે, જેમની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.