ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: બનાસના નીર ડીસા પહોંચતા કરાયા વધામણા

પાલનપુર: બિપરજોય વાવાઝોડા બાદ દાંતીવાડા ડેમમાં વરસાદી પાણીની ભરપૂર આવક થઈ હતી. જેથી દાંતીવાડા ડેમ છલોછલ ભરાઈ જતા તંત્રને ડેમના બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી. બે દિવસ અગાઉ ડેમના બે દરવાજા ખોલીને 3600 ક્યુસેક પાણી બનાસ નદીના પટમાં છોડવામાં આવી રહ્યું હતું. જ્યારે અત્યારે ડેમમાંથી 1800 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી આ પાણી બે દિવસ બાદ સોમવારે રાત્રે પાણી ડીસા આવી પહોંચ્યું હતું.

વરસાદી પાણીની ભરપૂર આવક-humdekhengenews

 

જેને લઈને શહેરીજનો અને તાલુકાના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે મંગળવારે સવારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનભાઈ માળી, ભાજપ અગ્રણી અમૃતભાઈ દવે અને સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પાલિકાના સદસ્યો અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સહિત મોટી સંખ્યામાં બનાસ નદીના નીરના વધામણા કરવા માટે નદીના કિનારે પહોંચ્યા હતા. જ્યાં બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત મંત્રો અને વિધિ અનુસાર બનાસ નદીના નીરને વધાવી વંદના કરવામાં આવી હતી.

ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી અને અગ્રણીઓએ શાસ્ત્રોકત મંત્રો વચ્ચે પૂજન કર્યું

આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે મેઘરાજા ની કૃપાથી લોકમાતા બનાસ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, ત્યારે જિલ્લામાં મેઘરાજાની કૃપા રહે અને બનાસ નદીમાં પાણી વહેતું રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. તેમણે ખેડૂતોને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે બનાસ નદીમાં નીર આવતા તાલુકાના કુવાઓ બોરમાં પાણીના તળ ઊંચા આવશે. જેનો ઉપયોગ થાય તે પણ જરૂરી છે. બનાસ નદીના નીરના વધામણા કરાયા ત્યારે મોટી સંખ્યામાં લોકો નદી કાંઠે પહોંચ્યા હતા. જ્યારે બનાસ પુલ ઉપર પણ વાહનના ટ્રાફિક ન થાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વરસાદી પાણીની ભરપૂર આવક-humdekhengenews

સિરીઝ ઓફ ચેકડેમ બનાવવા ધારાસભ્યની રજૂઆત

ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક માસ અગાઉ પત્ર લખ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે, ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં ‘સિરીઝ ઓફ ચેકડેમ’ બનાવવાની જરૂરિયાત છે. જો ચેકડેમ બને તો રણમાં વહી જતા પાણીને અટકાવીને તેને ભૂગર્ભમાં ઉતારી શકાય તેમ છે. તેમજ ડીસા તાલુકા સહિત આસપાસના ચાર તાલુકાના ખેડૂતોને પણ ફાયદો થઈ શકે તેમ છે. માટે ચારથી પાંચ નાના ચેકડેમ બનાવવા જરૂરી છે. જેથી ભૂગર્ભમાં પાણીનું સ્તર પણ જળવાઈ રહે.

આ પણ વાંચો : મણિનગર અકસ્માત સર્જનાર નબીરાઓના પોલીસે બોલાવ્યા મોર, જુઓ વીડિયો

Back to top button