જૂનાગઢ દુર્ઘટનામાં રીક્ષા ચાલક પિતા અને બે પુત્રો સહિત 4 ના મોત, મુખ્યમંત્રીએ કરી સહાયની જાહેરાત
જુનાગઢમાં દાતાર રોડ પર કડીયાવાડ વિસ્તારમાં ત્રણ માળનું જર્જરીત મકાન ભારે વરસાદ બાદ આજે બપોરે ધરાશાયી થતાં અનેક વ્યકિતઓ કાટમાળમાં દટાતા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતું. બચાવ કાર્યમાં એક વ્યકિત ઈજાગ્રસ્ત મળતા સારવારમાં દવાખાને ખસેડાયેલ હતો. દરમિયાન મોડી સાંજે મળેલા સમાચાર પ્રમાણે આ કાટમાળ હેઠળ દબાઈ જવાના લીધે એક રિક્ષાચાલક પિતા તેમજ તેના બે પુત્રો અને અન્ય એક પુરૂષ સહિત ચાર લોકોના મોત થયા છે. ઘટનામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મૃતકોને તાત્કાલીક રૂ.4 લાખની સહાયની જાહેરાત કરી છે.
બિલ્ડીંગ પાસેની રીક્ષા દટાઈ ગઈ હતી
આ દુર્ઘટનામાં જાણવા મળ્યા મુજબ બિલ્ડીંગ પાસે એક ઓટોરિક્ષા હતી. જે આ કાટમાળમાં દબાઈ ગઈ હતી. આ ઉપરાંત તેમાં કેટલાક મુસાફરો પણ બેઠા હોવાનું જણાવવામાં આવતું હતું જેથી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ દુર્ઘટનામાં તે રીક્ષામાં બેઠેલા બે બાળકો સહિત ચાર વ્યક્તિના મોત થયા હતા. મહાનગરપાલિકા પાસેથી મળેલી સત્તાવાર જાણકારી અનુસાર મૃતકોમાં સંજયભાઈ સતીશભાઈ ડાભી (ઉ.વ.33), દક્ષ સંજયભાઈ ડાભી (ઉ.વ.7), તરુણ સંજયભાઈ ડાભી (ઉ.વ.13) અને સુભાષભાઈ લક્ષ્મિદાસ તન્ના (ઉ.વ.52)નો સમાવેશ થાય છે.
ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થયું હતું
મહત્વનું છે કે, કડીયાવાડ વિસ્તારમાં જે જગ્યાએ ત્રણ માળનું જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થયુ તે સ્થળે શાકભાજીની લારીઓ ઉભી રહેતી હોય અચાનક મકાન ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળમાં ફસાયા હોવાની શંકા છે. આ દુર્ઘટનામાં એક વ્યકિતને ઈજા થતાં સારવારમાં સિવીલ હોસ્પીટલમાં ખસેડાયેલ હતો. જર્જરીત મકાનનો કાટમાળ હટાવવા પાંચ જેસીબી મશીનો અને ક્રેઈનની મદદ લેવામાં આવી છે. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.
બે દિવસ પૂર્વે જળબંબાકારની સ્થિતિ બની હતી
ઉલ્લેખનીય છે કે, જુનાગઢમાં શનિવારે પુરના પ્રકોપ બાદ આજે બપોરે દાતાર રોડ પર આવેલ એક ત્રણ માળનું જર્જરીત મકાન અચાનક ધરાશાયી થતાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં કલેકટર અનિલ રાણાવસીયા, મેયર ગીતાબેન પરમાર, કોર્પોરેટર ગીરીશ કોટેચા, એસ.પી.રવિ તેજા વાસીમ શેટી સહીતના અધિકારીઓ મનપા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી પાંચ જેસીબી અને સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.