બનાસકાંઠા: બનાસ ડેરીનો 20.27 ટકા સાથે રૂ.1952 કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર
પાલનપુર: દિયોદર તાલુકાના સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બનાસ ડેરીની 55 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ 20.27 ટકા સાથે રૂ. 1952 કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કર્યો હતો.
દિયોદરમાં બનાસ ડેરીની 55 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સાધારણ સભામાં તમામ ઠરાવ સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યા હતા. વાર્ષિક હિસાબને લગતી તમામ બાબતો પશુપાલકો સમક્ષ મુકવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત લોકોની સંમતિ લઈ વાર્ષિક હિસાબના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
દૈનિક 29 લાખ લીટર દૂધથી 73 લાખ લીટર પહોચ્યું
આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પ્રેઝન્ટેશન સાથે બનાસ ડેરીની વિકાસગાથા રજૂ કરતાં જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મદદથી બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરી છે. દેશમાં સહકારીતા મંત્રાલય શરૂ કરીને તેની જવાબદારી દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહને સોંપવામાં આવી છે એમનું સતત માર્ગદર્શન આપણને મળતું રહે છે.
દિયોદરમાં બનાસ ડેરીની 55 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ#banasdairy #Banaskantha #deesamla #ShankarChaudhry #milkdairy #PriceRise #PriceHike #milkproduct #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/QTGiC5huJg
— Hum Dekhenge News (@humdekhengenews) July 24, 2023
તેમણે કહ્યું કે વર્ષ-2014 માં બનાસ ડેરી દૈનિક 29 લાખ લીટર દૂધ સંપાદન કરતી હતી આજે દૈનિક 73 લાખ લીટર દૂધ સંપાદન કરે છે. ચેરમેનએ બનાસ ડેરીના દૂધ, ઘી, મીઠાઈ, ચોકલેટ, પોટેટો, મધ, વ્હે પ્લાન્ટ, સીએનજી બાયોગેસ પ્લાન્ટ, બટર, ચીઝ, આઈસ્ક્રીમ, પનીર પ્લાન્ટની વિગતો આપી તેની ક્ષમતા અને નિકાસ અંગેની માહિતી આપી હતી. પશુઓને પૂરતા પ્રણામમાં ખાણ-દાણ મળી રહે તે માટે બનાસ દાણની કેપેસીટી ત્રણ ઘણી કરવામાં આવી છે.
લાખો પશુપાલક માતા – બહેનોના આશીર્વાદથી શક્ય બન્યું… pic.twitter.com/QPWN5u4RPs
— Banas Dairy (@banasdairy1969) July 24, 2023
બનાસ ડેરી માવતર બનીને ખુશીઓ આપવાનું કામ કરે છે : શંકરભાઇ ચૌધરી
બનાસ ડેરી માવતર બનીને ખુશીઓ આપવાનું કામ કરે છે : શંકરભાઇ ચૌધરી#banasdairy #Banaskantha #deesamla #ShankarChaudhry #milkdairy #PriceRise #PriceHike #milkproduct #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/fqtJLnUTBT
— Hum Dekhenge News (@humdekhengenews) July 24, 2023
ચેરમેન શંકરભાઇ ચૌધરીએ બનાસ ડેરીના આવક- જાવકના વાર્ષિક હિસાબો રજૂ કરી ભાવવધારો જાહેર કરતા જણાવ્યું કે સમગ્ર દુનિયામાં સૌથી વધારે ભાવવધારો બનાસ ડેરી ચૂકવે છે. બનાસ ડેરીના નવા પ્રકલ્પોની વાત કરતા તેમણે કહ્યું કે લોકોને સારુ ભોજન અને જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે ફૂડ લેન્ડ અને ઉમંગ મોલ શરુ કરવામાં આવ્યા છે. પશુઓની સારવાર માટે 1095 હેલ્પલાઇન એમ્બ્યુલન્સ મારફત બનાસ ડેરીના વેટર્નરી ડોક્ટરો પશુપાલકોને ખેતરે જઈ સારવાર પુરી પાડે છે. બનાસ ડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજમાં 292 જેટલાં પશુપાલકોના દીકરા-દીકરીઓ 50 ટકા ફી સાથે અભ્યાસ કરી રહ્યા છે જેનાથી આવનારા સમયમાં આપણા દીકરા-દીકરીઓ પણ ડોક્ટર બનશે.
ચેરમેનએ કહ્યું કે બનાસને હરિયાળો બનાવવાનું આપણે સૌએ અભિયાન ઉપાડ્યું છે ત્યારે બનાસ ડેરીએ 235 જેટલાં અમૃત સરોવર બનાવ્યા છે જે પહેલા જ વરસાદમાં ભરાઈ જતા જળ સંચયનું ખુબ સરસ કામ થયું છે. એવી જ રીતે વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે. તમારા બધાના સાથ અને સહકારથી સિડ બોલના માધ્યમથી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરતા કહ્યું કે ધરતી માતાને બચાવવા પ્રાકૃતિક ખેતી કરીએ તથા રાજ્ય સરકારના જળ સંચયના કામોમાં પણ સહયોગ કરવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે પૂજ્ય ગલબાકાકાનું સપનું હતું કે મારી ગરીબ વિધવા બહેન દાતરડાના હાથા પર પોતાના જીવનનું ગુજરાન ચલાવી શકે તેવા ધંધા- રોજગાર વિકસાવવા છે. આજે તેમનું સપનું સાકાર થયું છે. આજે બનાસ ડેરી માવતર બનીને ખુશીઓ આપવાનું કામ કરે છે.
બનાસ ડેરીની વિકાસ યાત્રા પાલનપુરથી કાશી વિશ્વનાથ સુઘી પહોંચી, બનાસ ડેરી વિશ્વમાં નંબર વન : મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા
આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે આજથી 55 વર્ષ પહેલાં પાલનપુરથી શરૂ થયેલ બનાસ ડેરીની વિકાસ યાત્રા આજે ફરિદાબાદ અને કાશી વિશ્વનાથ સુઘી પહોંચી છે જે બનાસની લાખો મહિલા પશુપાલકોની મહેનતને આભારી છે. રોજના 70 લાખ લીટરથી વધુ દૂધ સંપાદન કરનાર બનાસ ડેરી વિશ્વમાં નંબર વન છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની ડબલ આવક કરવાના સપનાને સાકાર કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ખેડૂતોની આવક ડબલ કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહી છે. રાજ્યમાં ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠાને પણ રાજ્યનો બીજો પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બનાવવાની બનાસના ખેડૂતોને અપીલ કરું છું.
મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં પૂજ્ય ગલબાકાકાએ ગરીબ બહેનો માટે જોયેલું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. આજે બનાસકાંઠાની સુખ-સમૃદ્ધિ જોઈને આનંદ થાય છે. ચેરમેન શંકરભાઇ ચૌધરીના પારદર્શક વહીવટથી કોર્પોરેટ કંપનીઓ કરતા બનાસ ડેરીએ વધારે ભાવવધારો આપ્યો છે.
વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકોનું સન્માન
આ પ્રસંગે મંત્રીના હસ્તે બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકોનું ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. તેવી જ રીતે વધુ દૂધ સંપાદન કરનાર દૂધ મંડળીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતુ.