મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા, દાહોદ જિલ્લો સજ્જડ બંધ, પ્રદર્શનકારીઓએ ટાયરો બાળ્યા
મણિપુર રાજ્યમાં આદિવાસી કુકી સમુદાઈની મહિલાઓને નિર્વસ્ત્ર કરી વિકૃત રીતે ફેરવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દેશવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર આ ઘટનાને લઈને વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા છે.
મણિપુરની ઘટનાને લઈને દાહોદમાં વિરોધ
મણિપુરમાં મહિલાઓ સાથે અમાનવીય કૃત્યનો મામલો આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયમાં રોષની લાગણી વ્યાપી છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં વિવિધ આદિવાસી સંગઠનોએ રવિવારના રોજ બંધનું એલાન આપ્યુ હતું. જેના કારણે અહીં તેની અસર જોવા મળી હતી. ગઈ કાલે સંજેલી, ફતેપુરા, સુખસર,સિંગવડ અને ઝાલોદમાં સંપૂર્ણ બંધની સ્થિતિ જોવા મળી હતી.
આ જગ્યાએ બંધની અસર જોવા મળી
બંધનું એલાન કરાતા લીમખેડામાં પણ બંધ રહ્યુ હતુ , લોકોએ આ બંધને સમર્થન પણ આવ્યું હતુ. ગરબાડામાં વેપારીઓ દ્વારા તો બંધ પાળવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં બંધની કોઇ અસર જોવા મળી ન હતી. આ બંધના એલાનમાં કેટલીક જગ્યાએ કોંગ્રેસ, આપ અને બીટીપી, બીટીટીપી સહિતના પક્ષોએ પણ સમર્થન આપ્યું હતું. તેમજ સંજેલી, ઝાલોદ અને ફતેપુરામાં મુસ્લિમ વેપારીઓ દ્વારા પણ પત્રિકાઓ ફેરવીને બંધને સમર્થન આપવામા આવ્યું હતું.
લીમખેડામાં ટાયર બાળ્યાં
આ દરમિયાન ગઈ કાલે બંધ દમિયાન લીમખેડાથી લીમડી જવાના માર્ગ ઉપર સિંગાપુર ગામે હાઇવે ઉપર ટાયરો સળગાવી દેવાની ઘટના પણ સામે આવી હતી. જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી.
આ પણ વાંચો : આખરે 9 લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પટેલે મૌન તોડ્યું, તપાસ દરમિયાન કર્યા મોટા ખુલાસા