- કોન્ટ્રાક્ટમાં માનીતા કોન્ટ્રાક્ટરોને ‘સાચવી’ લેવાયાની ચર્ચા થઇ
- 8 કિલોના વજનના એક ટ્રી ગાર્ડ રૂ.1292ના ભાવે ખરીદી કરવામાં આવશે
- સતાધીશોએ અભ્યાસ કર્યા વગર જ કરોડોના ટ્રી ગાર્ડ મંજૂર પણ કર્યા
અમદાવાદ શહેરમાં રોપા સાચવવા ટ્રીગાર્ડની ખરીદી માટે રૂપિયા 3.15 કરોડનો એએમસી ખર્ચો કરશે. પૂર્વ-પશ્ચિમ માટે કુલ 25,000 ટ્રીગાર્ડ ખરીદવા AMCએ નિર્ણય કર્યો છે. ટ્રી ગાર્ડ ખરીદવાના કોન્ટ્રાક્ટમાં માનીતા કોન્ટ્રાક્ટરોને ‘સાચવી’ લેવાયાની ચર્ચા થઇ રહી છે. તેમજ સતાધીશોએ અભ્યાસ કર્યા વગર જ કરોડોના ટ્રી ગાર્ડ મંજૂર પણ કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 242 તાલુકામાં મેઘમહેર, જાણો કયા ખાબક્યો સૌથી વધુ વરસાદ
પશ્ચિમના વિસ્તારો માટે 12,500 સહિત કુલ 25,000 ટ્રી ગાર્ડ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું
AMCના બગીચા વિભાગ દ્વારા શહેરમાં ચોમાસામાં વૃક્ષારોપણ કર્યા બાદ રોપા સાચવવા રૂ.3.15 કરોડના ખર્ચે ટ્રી ગાર્ડ ખરીદવામાં આવશે. આ હેતુસર એક ટ્રીગાર્ડ રૂ. 1,292 રૂપિયામાં ખરીદવામાં આવશે. શહેરના પૂર્વના વિસ્તારો માટે 12,500 અને પશ્ચિમના વિસ્તારો માટે 12,500 સહિત કુલ 25,000 ટ્રી ગાર્ડ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે અને પૂર્વ વિસ્તાર માટે નીલ એન્ટરપ્રાઇઝ અને પશ્ચિમ વિસ્તાર માટે અરિહંત ઇન્ડસ્ટ્રીઝ બે કંપનીને ખરીદીના ઓર્ડર આપવાનું નક્કી કરીને બે કોન્ટ્રાક્ટરોને ‘સાચવી’ લેવામાં આવ્યું હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની આફત, આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર
8 કિલોના વજનના એક ટ્રી ગાર્ડ રૂ.1292ના ભાવે ખરીદી કરવામાં આવશે
આ બંન્ને કંપનીઓ પાસેથી 8 કિલોના વજનના એક ટ્રી ગાર્ડ રૂ.1292ના ભાવે ખરીદી કરવામાં આવશે. AMC દ્વારા દર વર્ષે કરોડોના ટ્રીગાર્ડ ખરીદવામાં આવે છે પરંતુ દર વર્ષે તેમાંથી કેટલા ટ્રી ગાર્ડ લગાવવામાં આવે છે તેનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી. ટ્રી ગાર્ડ લગાવાયા પછી કેટલાં ટ્રી ગાર્ડ તૂટી ગયા, કેટલાં ટ્રી ગાર્ડ ભંગારમાં આપી દેવાયા, ટ્રી ગાર્ડ હયાત છે કે નહીં, વગેરે અંગે કોઈપણ જાતની માહિતી મેળવવામાં આવતી નથી અને દર વર્ષે ટ્રી ગાર્ડ ખરીદવા માટે કરોડોનું આંધણ કરવામાં આવે છે.