CM ઉદ્ધવ ઠાકરેની બળવાખોર મંત્રીઓ સામે કાર્યવાહી, વિભાગ છીનવીને અન્યને આપ્યું
મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એકનાથ શિંદે સહિત આંઠ બળવાખોર મંત્રીઓ પાસેથી તેમના પોર્ટફોલિયો છીનવી લેવામાં આવ્યા છે. મહા વિકાસ અઘાડી સરકારના અન્ય મંત્રીઓને બળવાખોરો પાસેથી છીનવી લેવામાં આવેલા ખાતાઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલય વતી એવું કહેવામાં આવ્યું હતું કે, સીએમ ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરબદલ કર્યો છે. જેથી જાહેર હિતના મુદ્દાઓને અવગણવામાં ન આવે.
મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાના 9 મંત્રીઓ એકનાથ શિંદે જૂથ સાથે ગયા છે. આ પછી શિવસેના પાસે ઉદ્ધવ કેબિનેટમાં માત્ર 3 જ બચ્યા છે. તેમાંથી એક ખુદ મુખ્યમંત્રીના પુત્ર આદિત્ય ઠાકરે છે. અન્ય બે મંત્રીઓ સુભાષ દેસાઈ અને અનિલ પરબ છે. આ સિવાય શિવસેના ક્વોટાના અન્ય મંત્રીઓ એકનાથ શિંદે, ઉદય રવિન્દ્ર સામંત, દાદાજી ભુસે, સંજય દુલીચંદ રાઠોડ, ગુલાબરાવ રઘુનાથ પાટીલ એમવીએ સરકાર સામે બળવો કરીને હોતર, ગુવાહાટીમાં કેમ્પ કરી રહ્યા છે.
બળવાખોરોના પોર્ટફોલિયોનો વધારાનો હવાલો આ મંત્રીઓને સોંપવામાં આવ્યો
મુખ્યમંત્રી ઉદ્ધવે એકનાથ શિંદેના શહેરી વિકાસ, જાહેર બાંધકામ (જાહેર સાહસો) વિભાગનો હવાલો મંત્રી સુભાષ દેસાઈને સોંપ્યો છે. અનિલ દત્તાત્રેય પરબને ગુલાબરાવ રઘુનાથ પાટીલના પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. દાદાજી પાસેથી કૃષિ મંત્રાલય છીનવીને શંકર યશવંતરાવ ગડાખને આપવામાં આવ્યું છે. આદિત્ય ઠાકરેને ઉદય સામંત પાસેથી ઉચ્ચ શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
આ બળવો નથી પરંતુ મહારાષ્ટ્રની જનતાની ઈચ્છા છેઃ શ્રીકાંત શિંદે
બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેના સમર્થનમાં થાણેમાં તેમના નિવાસસ્થાનની બહાર સેંકડો સમર્થકો એકઠા થયા હતા. તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેએ સોમવારે કહ્યું કે, સંજય રાઉતે અમને નહીં પણ બીજાને ધમકી આપવી જોઈએ. ગુવાહાટીથી મૃતદેહ લાવ્યો એ નિવેદનનો તેનો અર્થ શું હતો? આ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. તેમણે કહ્યું, આ વિદ્રોહ નથી, પરંતુ મહારાષ્ટ્રની જનતાની ઈચ્છા છે. શ્રીકાંત શિંદે કલ્યાણથી શિવસેનાના સાંસદ છે.