લે બોલ.. ભચાઉ પોલીસ મથકના PI અને HC એ FIR નોંધવા રૂ.5 લાખની લાંચ લીધી, ACB એ દબોચ્યા
વ્યાજખોરો વિરુધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા પેટે પાંચ લાખ રૂપિયાની લાંચ માંગતા ભચાઉના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. પટેલ અને પીઆઈના રાઈટર હેડ કોન્સ્ટેબલ એસ.કે. કણોલ એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. ગાંધીધામ ACB પોલીસ સ્ટેશને આજે સાંજે પોલીસ મથકની અંદર છટકું ગોઠવી PI અને રાઈટર બેઉને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડતાં કચ્છના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘણાં વર્ષો બાદ ACBએ કચ્છમાં લાંચિયા PIને રંગેહાથ ઝડપ્યો છે.
શા માટે માંગી હતી લાંચ ? કેવી રીતે દબોચાયા ?
સમગ્ર ટ્રેપનું સુપરવિઝન કરનાર એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ પાસેથી મળેલી માહિતી મુજબ ફરિયાદીએ કેટલાંક સ્થાનિક વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણાં મેળવ્યાં હતાં. આ વ્યાજખોરો તેની પાસે સતત પઠાણી ઊઘરાણી કરી તેને ધાક-ધમકી આપતા હતા. તેણે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી. પરંતુ, પીઆઈ અલ્પેશ પટેલ તેને છેલ્લાં વીસ-પચ્ચીસ દિવસથી ધક્કા ખવડાવતો હતો. ફરિયાદ દાખલ કરવા પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ આ મામલે એસીબીને જાણ કરતાં ગાંધીધામ એસીબી પીઆઈ વી.એસ. વાઘેલાએ ગુરુવારે સાંજે પોલીસ મથકની અંદર છટકું ગોઠવ્યું હતું. પીઆઈ પટેલે ફરિયાદી સાથે નાણાંની લેતી-દેતી મામલે વાત કરી, પાંચ લાખ રૂપિયા પોતાના રાઈટર આરોપી સરતાનભાઈ કરમણભાઈ કણોલ (અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, વર્ગ-૩)ને નાણાં આપવા જણાવ્યું હતું. કણોલે જેવા નાણાં સ્વિકાર કર્યા કે એસીબીએ તુરંત પ્રગટ થઈ પટેલ અને કણોલને દબોચી લીધાં હતાં.