સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં નુકસાન, CM ભૂપેન્દ્ર પટેલ લેશે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 21 જુલાઈના રોજ સવારે 11 કલાકે સૌરાષ્ટ્રના ભારે વરસાદ અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તલાલા અને માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ગાંધીનગરથી રવાના થશે.
હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો ક્યાસ મેળવ્યા પછી મુખ્યમંત્રી જુનાગઢ ખાતે બપોરે 1 કલાકે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રિવ્યુ મીટીંગ પણ યોજવાના છે. મુખ્ય સચિવ રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ મુખ્યમંત્રી સાથે જોડાશે.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે. પોરબંદર જિલ્લામાં આવતા ઘેડ વિસ્તારનાં કેટલાંક ગામો પણ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયાં છે. સૌરાષ્ટ્રનો આ વિસ્તાર ઊંધી રકાબી જેવો છે. જેના કારણે અહીં દર વર્ષે પાણી ભરાઈ જાય છે. આ વિસ્તારમાંથી પાણી ઓસરતાં અને સ્થિતિ પૂર્વવત્ થતાં અંદાજે અઠવાડિયાનો વખત લાગશે. ઘેડ વિસ્તારમાં ખાસ કરીને ખેતરોમાં રહેતા લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.