અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

બાપ ઐયાશી બેટા નવાબી: 9 લોકોને ભરખી જનાર તથ્ય પટેલના પિતા પર નોંધાયેલા છે આઠ કેસ

Text To Speech

અમદાવાદ : ગત મધરાત્રે 1.10 વાગ્યે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ઊભા રહેલા લોકોના ટોળાને જેગુઆરે 160થી વધુ કિમીની ઝડપે ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં 7 બાળકો સહિત કુલ 9જણાના મોત નીપજ્યાં છે. આ 9 લોકોની કચડી મારનાર જેગુઆરનો ચાલક તથ્ય પટેલ હતો.

તથ્યનો પિતા પ્રજ્ઞેશ પટેલનાં પણ કાળાં કરતૂત સામે આવ્યાં છે. પ્રજ્ઞેશ પટેલે સૌરાષ્ટ્રની એક યુવતી પર ડ્રગ્સો નશો કરી ગેંગરેપ આચર્યો હતો. તે ઉપરાંત યુવતી પાસેથી 30 હજાર રૂપિયા પણ પડાવી લીધા હોવાનો આરોપ છે.

2020માં સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટ હાઉસમાં નોકરીની લાલચ આપીને આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. તે સમયે કુલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પ્રજ્ઞેશ પટેલ અને જિતેન્દ્ર ગોસ્વામી મુખ્ય આરોપી હતા. આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી યુવતી સાથે એકવાર નહીં, પરંતુ અનેકવાર ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીનો પાસપોર્ટ પણ છીનવી લીધો હતો.

ચોંકાવનારી બાબત તે છે કે, પ્રજ્ઞેશ પટેલ પર અત્યાર સુધી આઠ ફરિયાદો નોંધાઇ ચૂકી છે.

  • સોલામાં- 2
  • શાહપુર- 1
  • રાણીપ- 1
  • ક્રાઈમ બ્રાન્ચ- 1
  • મહિલા ક્રાઈમ- 1
  • ડાંગમાં NC ફરિયાદ
  • મહેસાણા- 1

ગઈકાલે આ મામલે SG 2 ટ્રાફિક પોલીસ સરકાર તરફે ફરિયાદી બની IPC 279, 337, 338, 304 એમ.વી. એક્ટ હેઠળ 177,184 મુજબ ગુનો નોંધ્યો હતો. જેમાં ટ્રાફિક પીઆઈ વી.બી.દેસાઈ ફરિયાદી બન્યા છે.

ટ્રાફિક પશ્ચિમ ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, બનાવ બાદ આરોપી તથ્ય પટેલને સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં અત્યારે તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરની સલાહ મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવશે. અત્યારે આરોપી પોલીસની નજર હેઠળ સારવાર મેળવી રહ્યો છે.

ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ​​​​​​​એ વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં 9 લોકોનાં મોત થયાં છે જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત છે, ત્યારે ઘાયલ અને મૃત્યુ પામનાર લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગુનેગારને છોડવામાં નહીં આવે અને મૃતકનાં સ્વજનોને ન્યાય અપાવીશું. પરંતુ ગાડીની સ્પીડ ખૂબ જ હતી તેના કારણે ગંભીર અકસ્માત થયો છે.

આ પણ વાંચો : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલના પિતા અને વકિલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Back to top button