ઇસ્કોન અકસ્માત: પિતા માનવા જ તૈયાર નથી કે હવે તેમનો બાળક દુનિયામાં નથી
અમદાવાદ: એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતમાં 9 જેટલા યુવાનો મોતને ભેટ્યા છે. હજી તો આ યુવકો પોતાનું ભવિષ્ય બનાવવા માટે અમદાવાદમાં અભ્યાસ અર્થે આવ્યા હતા પરંતુ પૈસાની ચકાચોંધમાં અંધ થયેલ માલુતાજાર તથ્ય પટેલે તેમના માટે કાળ બનીને આવ્યો હતો. તમામ માસૂમ બાળકોએ એક બેજવાબદાર અને બેદરાક નબીરાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતની કરુણ ઘટનામાં કોઈએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે તો કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રાત્રે બે વાગ્યાથી મૃતકને જોવા માટે તેમનાં સ્વજનો પહોંચ્યા હતાં. એક બાદ એક મૃતદેહ જોઈ અને પરિવારજનો રડી પડ્યાં હતાં. ઉલ્લેખનિય છે કે, મૃતકોમાં મોટાભાગના કિશોરો 20થી 23 વર્ષ ઉંમરના છે તો એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડના યુવકો 30 વર્ષથી ઉપરની ઉંમરના છે.
પરિવારે લાડ-પ્રેમથી આટલા મોટા કર્યા અને અચાનક તેઓ ગંભીર અકસ્માતની ચપેટમાં આવી જતાં પરિવારના આસું રોકાઇ રહ્યાં નથી. તે સ્વભાવિક છે કે, વ્હાલસોયા દિકરાથી હંમેશા માટે જુદુ થવું હૈયામાં તિરાડ પડવા કરતાં પણ અઘરૂ છે. બાળકોના વિરહની જગ્યાએ પિતા એક સમયે મોતને ગળે લગાવવાનું પસંદ કરશે. સોલા હોસ્પિટલના દ્રશ્ય જોવા નાની-પોચી છાતીવાળાનું કામ નથી. કેમ કે, પરિવારનું અથાગ દુ:ખ હૈયા ઉપર ભાર કરી દે તેમાં શંકાને સ્થાન નથી.
અકસ્માત સર્જાતા જ ઈજાગ્રસ્તોને શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એક પિતાની આજીજી પર સોલા સિવિલ ઈહોસ્પિટલના ડોક્ટરોએ એક મૃત બાળકને 40 મીનિટ સુધી તો વેન્ટિલેટર ઉપર રાખ્યો હતો. કેમ કે તે પિતાના બાળક માનતા તૈયાર જ નહતા કે તેમનો દિકરો હવે આ દુનિયામાં નથી.
તે પિતાએ કહ્યું કે, ‘ડોક્ટર સાહેબ, મારા દીકરામાં હજી જીવ હશે, થોડું પમ્પિંગ અને વેન્ટિલેટર ઉપર રાખોને.’ માનવતા દાખવી હોસ્પિટલના ડોક્ટરો અને પોલીસે મૃતક યુવકને વેન્ટિલેટર ઉપર રાખ્યો હતો.
આ પણ વાંચો-શહેરમાં 160થી વધુની ઝડપે કાર ચલાવવા પાછળ આરોપીનું માઇન્ડ સેટ શું હશે? પોલીસ શું કહે છે