આજથી સંસદનું ચોમાસુ સત્ર, ‘INDIA’ અને NDAએ આમને-સામને, મણીપુરને લઈને ભારે હોબાળો થશે
HD ન્યુઝ ડેસ્કઃ સંસદનું ચોમાસુ સત્ર ગુરુવાર એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે, જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન કુલ 17 દિવસ સુધી ગૃહમાં કામકાજ થશે. કેન્દ્રએ બુધવારે (19 જુલાઈ) સત્રની શરૂઆત પહેલા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સરકાર તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બેઠકમાં સામેલ થયા હતા. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ, અધીર રંજન ચૌધરી, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ અને અન્ય ઘણા નેતાઓએ વિરોધ પક્ષોમાંથી ભાગ લીધો હતો.
વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગ: બેઠક દરમિયાન કોંગ્રેસ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના જનતા દળ સહિત વિવિધ પક્ષોએ દેશ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી હતી. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે સરકારને મણિપુરની સ્થિતિ, ઓડિશા ટ્રેન દુર્ઘટના અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી હતી. પાર્ટીએ કહ્યું કે જો સરકાર ગૃહ ચલાવવા માંગતી હોય તો તેણે વિપક્ષને પોતાનો વિચાર રજૂ કરવાની તક આપવી જોઈએ.
સરકારને ઘેરવાની તૈયારી: 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી પાર્ટીઓએ મણિપુરની સ્થિતિ અને દિલ્હી સર્વિસ ઓર્ડિનન્સ જેવા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. ચોમાસુ સત્ર એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે આ મંગળવારે (18 જુલાઈ) 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને પડકારવા માટે 26 વિપક્ષી પક્ષોએ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન (INDIA)ની રચના કરી છે.
આ પણ વાંચોઃ મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને ફેરવવા બદલ CMના રાજીનામાની માંગ, મોદી સરકારને ઘેરશે વિપક્ષ