બનાસકાંઠા: દાંતાના દર્દીએ ચાર વર્ષ હોસ્પિટલોમાં પૈસાનું પાણી કર્યુ, આખરે પાલનપુરની સિવિલમાં નિઃશુલ્ક ઓપરેશન, પેશાબમાં થતી પીડા દૂર થઈ
પાલનપુર: ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે કાર્યરત પશુપાલકોની એકમાત્ર સંસ્થા જનરલ સિવિલ હોસ્પિટલ અત્યંત આધુનિક તબીબી સારવાર આપવામાં સમગ્ર જિલ્લામાં મોખરે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાંતા તાલુકામાં આવેલ દુધાવાસ ગામના રહીશ રમણભાઈ તરાલને છેલ્લા ચાર વર્ષથી પેશાબની ગંભીર બિમારી હતી. પેશાબમાં તકલીફ હોવાથી તેમણે સાબરકાંઠા જિલ્લાના ઇડર, ખેડબ્રહ્મા અને પાલનપુર સહિત જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી પરંતુ તેમની સમસ્યાનું સમાધાન થયું નહોતું. ખેત મજુરી કરીને જીવન ગુજારતા આ ગરીબ પરિવારે પૈસાનું પાણી કરી લાખો રૂપિયાઓ દવાઓ પાછળ ખર્ચવા છતાં પરિણામ મળ્યું નહોતું કે તેમની આ અંગ પીડા દૂર થઇ નહોતી અને દવાખાનાઓમાં રૂપીયા ખોવાનો વારો આવ્યો હોવાથી આ પરિવાર પણ હવે દવાખાનાઓથી કંટાળ્યો હતો.
રમણભાઈ તરાલની પેશાબની ગંભીર બિમારીને દૂર કરવા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ત્રણ ઓપરેશન કરાયા
એવામાં રમણભાઇ તરાલના સ્નેહીજનો તેમની વ્હારે આવ્યા અને તેમણે જણાવ્યું કે હવે પાલનપુરમાં અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ સિવિલ હોસ્પિટલ કાર્યરત છે. એમાં દાખલ થઇને વિનામૂલ્યે ઓપરેશન અને તમામ સારવાર મેળવી શકાશે. એટલે રમણભાઇ તરાલના પરિવારે તેમને ગઇ તા. ૧૨ જુલાઈ-૨૦૨૩ના રોજ પાલનપુર સિવિલ હોસ્પિટલના પોસ્ટ ઓપરેટીવ વોર્ડ ખાતે દાખલ કર્યા અને સિવિલના તબીબોએ અગાઉના તમામ રીપોર્ટ્સ જોયા બાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનીલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ વિભાગના ડૉ. રાજેશ મજેઠીયા, ડૉ. ફોરમ મોઢ સહિતની ડોક્ટરોની ટીમે દર્દીના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી જુદા જુદા ત્રણ જેટલાં જટીલ ઓપરેશનો કરીને પેશાબની નળીમાં દુરબીન વડે પેશાબની મૂત્ર નળીનો રસ્તો બનાવ્યો તેમજ પોસ્ટેટ કાઢવાનું પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
અત્યંત આધુનિક ટેકનલોજીના દુરબીનના સાધનો વડે, ચીરો પાડ્યા વગર આ સંપૂર્ણ ઓપરેશન એકપણ રૂપિયાના ખર્ચ વિના કરવામાં આવતા તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. પરિવારના મોભી ઉપર આવી પડેલ આફત દૂર થતાં તેમના પરિવારજનોએ ડોક્ટરો સહિત નર્સિગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના પુત્રએ જણાવ્યું હતું કે, મારા પિતાજીની સારવાર માટે અમો છેલ્લા ચાર વર્ષથી કેટલીય ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ આજે એકપણ રૂપિયાના ખર્ચ વિના સારામાં સારી સારવાર મળી છે.
આ પણ વાંચો : ગુજરાતના આંગણે પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડનું આયોજન, ગુજરાત માટે ગૌરવની વાત