સુરક્ષાદળોને મોટી સફળતા: આતંકવાદી હુમલાને બનાવ્યો નિષ્ફળ; પૂંછ-કુપવાડામાં 6 ઠાર
કુપવાડા: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ભારતીય સુરક્ષા દળોએ ફરી એકવાર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષા દળોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા. પાછલા બે દિવસમાં સેનાએ 6 આતંકીઓને ઠાર કર્યા છે. અધિકારીઓએ બુધવારે (19 જુલાઈ) આ માહિતી આપી હતી. ઘૂસણખોરો પાસેથી 4 એકે રાઈફલ, 5 ગ્રેનેડ અને યુદ્ધમાં વપરાયેલી સામગ્રી મળી આવી છે.
જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે ભારતીય સુરક્ષા દળોએ ભારે હથિયારોથી સજ્જ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેમાંથી ત્રણની ઓળખ પાકિસ્તાનના રહેવાસી તરીકે અને એક PoKના રહેવાસી તરીકે કરવામાં આવી છે. સેનાના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોના ઓપરેશને આ વિસ્તારમાં સંભવિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.
આ પહેલા ચાર આતંકીઓ ઘૂસણખોરી કરતા માર્યા ગયા હતા
16 અને 17 જુલાઈની મધ્યવર્તી રાત્રે, સુરક્ષા દળોએ પૂંચના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. એક દિવસ બાદ ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા જમ્મુ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) મુકેશ સિંહે સુરનકોટના સિન્દ્રા ટોપ વિસ્તારમાં ચાર આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરી હતી.
સેનાનું ઓપરેશન ત્રિનેત્ર
રાષ્ટ્રીય રાઇફલ્સ સેક્ટર છના કમાન્ડર બ્રિગેડિયર એમપી સિંહે પૂંછમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “ચાલુ ‘ઓપરેશન ત્રિનેત્ર II’ દરમિયાન જંગલ વિસ્તારમાં ચાર વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. અંતરિયાળ વિસ્તારોમાં આવા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓની હાજરી એ પ્રદેશને અસ્થિર કરવાના પ્રયાસોનું સૂચક છે અને જો તેમને સમયસર ઠાર કરવામાં ન આવ્યા હોત તો આ આતંકવાદીઓ આગામી દિવસોમાં મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપી શક્યા હોત.
20 એપ્રિલની ઘટના બાદ ઓપરેશન શરૂ થયું હતું
મહત્વપૂર્ણ છે કે, 20 એપ્રિલના રોજ આતંકવાદીઓએ પૂંછના મેંધર વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. આ પછી સેનાએ ‘ઓપરેશન ત્રિનેત્ર’ શરૂ કર્યું.
પુંછના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વિનય શર્માની સાથે બ્રિગેડિયર સિંહે જણાવ્યું હતું કે 16 જુલાઈના રોજ સેના અને પોલીસ દ્વારા જંગલ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે માહિતી મળ્યા બાદ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અવિરત કામગીરીનો સિલસિલો હતો. સિન્દ્રાહના સામાન્ય વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિઓની હિલચાલ અંગેનો ભાગ હતો.
જંગલમાં છુપાયેલા ચાર આતંકવાદીઓનું એન્કાઉન્ટર
બ્રિગેડિયર સિંહે કહ્યું, “સશસ્ત્ર આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. તેના આધારે સેનાના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે (17 જુલાઈએ) વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ઘેરાબંધી બાદ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને સિન્દ્રાહ ગામ પહોંચ્યા. તેમણે કહ્યું, “ગામની નજીકના જંગલમાં છુપાયેલા ચાર આતંકવાદીઓએ નજીક આવતા જવાનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. તેમના ગોળીબારનો તરત જ જવાબ આપવામાં આવ્યો અને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા.”
વિસ્તારમાં છુપાયેલા તમામ આતંકવાદીઓને કરવામાં આવશે ઠાર
બ્રિગેડિયર સિંહે કહ્યું કે સેનાના ‘સ્પેશિયલ ફોર્સ’ને પણ બોલાવવામાં આવ્યા હતા અને દિવસ અને રાત દરમિયાન આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર થતો રહ્યો હતો. ત્યારબાદ વિસ્તારનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહો અને હથિયારો અને દારૂગોળાનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો, જેમાં ચાર ચાઈનીઝ બનાવટની એકે એસોલ્ટ રાઈફલ્સ અને પાકિસ્તાની નિશાનોવાળી બે પિસ્તોલનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે આ વિસ્તારને આતંકવાદ મુક્ત બનાવવા માટે આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન નવેસરથી જોરશોરથી ચાલુ રહેશે. તાજેતરની ઘટનાનો ઉલ્લેખ કરીને જેમાં નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે આતંકવાદીઓ માર્યા ગયા હતા, બ્રિગેડિયન સિંહે કહ્યું, “આ દર્શાવે છે કે પાડોશી દેશ (પાકિસ્તાન) અટકશે નહીં અને અમારા ક્ષેત્રમાં અશાંતિ પેદા કરવાના પ્રયાસો ચાલુ રહેશે. આપણે પણ કાર્યવાહી ચાલું રાખીશું અને વિસ્તારમાં છુપાયેલા તમામ આતંકવાદીઓને ખતમ કરીશું.
એસએસપી પુંછ વિનય શર્માએ કહ્યું કે ઓપરેશનની સફળતા આતંકવાદ સામેની લડાઈમાં સેના અને પોલીસ વચ્ચેના સંકલનનું ઝળહળતું ઉદાહરણ છે.
આ પણ વાંચો-શું તમે જાણો છો ચોમાસાની શરૂઆતમાં જ ઉત્તર ભારતમાં કેટલા હજાર કરોડનું થયું નુકસાન?