બનાસકાંઠા: દાંતીવાડા ડેમમાં 80 ટકાથી વધુ પાણી ભરાયું, નદી વિસ્તારમાં પ્રવેશ નહી કરવા તંત્રએ સૂચના આપી
બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાઠાં જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જે મુજબ 18જુલાઈ’23 સુધી દાંતીવાડા ડેમમાં 597.60 ફૂટ પાણીના જથ્થા સાથે 80.00 ટકાથી વધુ ભરાયેલ છે અને હાલમાં ચોમાસુ-2023 સક્રિય છે. જ્યારે 1906 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે. જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને નિશ્ચિત લેવલથી વધુ સપાટીએ દાંતીવાડા ડેમ ભરાય અને પાણીની આવકમાં વધારો થાય તો દાંતીવાડા જળાશયમાંથી જરૂર પડે તો ડેમના દરવાજા ખોલી પાણી નીચેવાસમાં નદીમાં વહેવડાવવાની શક્યતા રહેલી છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચના મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવે છે કે દાંતીવાડા ડેમના નીચેવાસમાં રહેતી જાહેર જનતાએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.આઇ.પટેલે જણાવ્યું છે આ સાથે નદીના ભાગો તેમજ નીચાણવાળા વિસ્તારોને કાળજી લેવા જણાવવામાં આવે છે.
આ પણ વાંચો : ટામેટાંના ભાવ વધતાં સુરતના સૌથી ફેમસ ડુમસ ટામેટાં ભજીયાંના ભાવ આસમાને