યુદ્ધ કરવાના આશયથી ભારતની માહિતી ગેરકાયદે પાકિસ્તાનને પહોંચાડવાનો કેસમાં અમદાવાદની વિશેષ અદાલત ચુકાદો આપ્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે આ મામલે 3 આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ ગુજરાતમાં પ્રથમવાર સજા આપવામાં આવી છે.
ભારતની માહિતી પહોંચાડવાના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ
યુદ્ધ કરવાના આશયથી ભારતની માહિતી ગેરકાયદે પાકિસ્તાનને પહોંચાડવાનો કેસમાં આરોપી સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર તેમજ મહંમદ ઐયુબ ઉર્ફે સાકીર સાબીરભાઈ શેખ અને નવસાદ અલી મકસુદ અલી સૈયદ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. વર્ષ 2012માં પકડાયેલા આ ત્રણ આરોપી સામે સેશન્સ કોર્ટેમાં કેસ ચાલી રહ્યો હતો. આ મામલે આજે અમદાવાદ સેશન્સ કોર્ટેમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમાં કોર્ટે સજા આપતા મહત્વનું અવલોકન પણ કર્યું છે કે, ‘આરોપીઓ દેશ વિરોધી કૃત્ય કર્યું છે અને દેશ વિરોધી કૃત્ય કરનાર સામે દયા રાખી શકાય નહીં’ અને કોર્ટે કહ્યું કે ‘આવા આરોપીઓને મહત્તમ સજા થવી જોઇએ’.
જાણો સમગ્ર મામલો
2012માં પકડાયેલા ત્રણ આરોપી સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મહંમદ ઐયુબ ઉર્ફ સાકીર સાબીર ભાઇ શેખ, નવસાદ અલી મક્સુદ અલી સૈયદ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામા આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે આ આરોપીઓ સામે અમદાવાદ તથા ગાંધીનગરના મીલીટરી સ્ટેશન તથા તેની હિલચાલની ગુપ્ત માહિતી લેખિત સ્વરૂપે પાકિસ્તાનને પહોચાડતા હતા. અને તેઓ લેખિત માહિતીની સાથે સાથે આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારનો નકશો પણ તૈયાર કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો હતો.ગુજરાત સિવાય રાજસ્થાનના જોધપુર આર્મી કેન્ટોનમેન્ટ તથા બીએસએફ હેડ ક્વાર્ટરની પણ ગુપ્ત હકીકતો મોકલી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ મામલે 14 ઓક્ટોબર 2012ના રોજ ક્રાઇમ બ્રાન્ચે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. અને આ આરોપીઓ વિરૂદ્ધ કુલ 75 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ આરોપીઓ સામે તમામ પુરાવા મળી આવતા કોર્ટે આરોપીઓને IPC કલમ 121, 121A, 123, 120B હેઠળ સજા ફટકારી છે.
આ પણ વાંચો : ગુજરાત ATSના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગૃહ વિભાગે કરી મોટી જાહેરાત